- હાલ ઈમરાન ખાન પંજાબ પ્રાંતના રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ
- નવ મેના રોજ થયેલી હિંસા સાથે સંકળાયેલા ચાર કેસમાં જામીન આપ્યા
- એટીસી કોર્ટે ઈમરાન ખાનને વચગાળાના જામીન મંજૂર કરી દીધા
ઈમરાન ખાન હાલમાં કેટલાક કેસોમાં પંજાબ પ્રાંતના રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. ગયા વર્ષે 9 મેના રોજ ઈમરાનની ધરપકડ બાદ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સમર્થકોએ એક ડઝનથી વધુ સૈન્ય સંસ્થાઓને નિશાન બનાવી હતી. તેમાં રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર, ફૈસલાબાદમાં ઈન્ટર સર્વિસિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ) બિલ્ડિંગ, મિયાંવાલી એરબેઝ, જિન્નાહ હાઉસ (લાહોર કોર્પ્સ કમાન્ડર હાઉસ)નો સમાવેશ થાય છે.
પીટીઆઈના સ્થાપક ઈમરાન ખાનની જામીન અરજી પર શનિવારે એન્ટી ટેરરિઝમ કોર્ટ (એટીસી)ના જજ અરશદ જાવેદ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, તેણે નવ મેની હિંસા સંબંધિત ચાર કેસમાં ઈમરાનને વચગાળાના જામીન આપ્યા હતા. જમાન પાર્કની બહાર પોલીસ પર હુમલો, પીટીઆઈ કાર્યકર ઝીલે શાહની હત્યા, મોડલ ટાઉનમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ની ઓફિસ અને કલમા ચોક ખાતે એક કન્ટેનર સળગાવવાના કેસમાં કોર્ટે ખાનને વચગાળાના જામીન આપ્યા હતા.
એટીસીના અન્ય એક ન્યાયાધીશ નાવેદ ઈકબાલે 9 મેની હિંસાના ત્રણ કેસમાં ઈમરાન ખાનના વચગાળાના જામીન 7 માર્ચ સુધી લંબાવ્યા છે.જે ત્રણ કેસમાં કોર્ટે તેમના વચગાળાના જામીન લંબાવ્યા છે તેમાં જિન્નાહ હાઉસ પર હુમલો, અસ્કરી ટાવરને સળગાવવાના કેસ અને શાદમાન પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે.


