અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 30 અનુભવી રાજદૂતોને તેમના પદ પરથી હટાવીને પાછા બોલાવી લીધા છે. જેમને ટ્રમ્પ પ્રશાસને પાછા બોલાવ્યા છે, તેમની નિમણૂક બાઇડન પ્રશાસન દરમિયાન થઈ હતી. ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન પણ તેઓ પદ પર ચાલુ રહ્યા હતા. જોકે સ્ટેટ ડિપાર્ટમેન્ટે એ સ્પષ્ટ કર્યું નથી કે કુલ કેટલા રાજદૂત અસરગ્રસ્ત થશે અથવા કયા-કયા દેશોમાંથી તેમને પાછા બોલાવવામાં આવી રહ્યા છે.
વિદેશ વિભાગે આને માત્ર સામાન્ય પ્રક્રિયા ગણાવી છે. આ નિર્ણયનો સૌથી વધુ અસર આફ્રિકી દેશો પર પડી છે. કારણ કે આફ્રિકાના 13 દેશો બુરુંડી, કેમરૂન, કેપ વર્ડે, ગેબોન, આઈવરી કોસ્ટ, મેડાગાસ્કર, મોરિશિયસ, નાઇજર, નાઇજીરીયા, રવાન્ડા, સેનેગલ, સોમાલિયા અને યુગાંડા માંથી રાજદૂતોને પાછા બોલાવવામાં આવી રહ્યા છે
નેપાળ અને શ્રીલંકામાંથી પણ પાછા બોલાવ્યા
એશિયામાં છ દેશો ફિજી, લાઓસ, માર્શલ આઇલેન્ડ્સ, પાપુઆ ન્યૂ ગિની, ફિલીપાઇન્સ અને વિયેતનામમાં તૈનાત અમેરિકી રાજદૂતોને પણ બદલવામાં આવી રહ્યા છે. જ્યારે યુરોપમાં આર્મેનિયા, નોર્થ મેસેડોનિયા, મોન્ટેનેગ્રો અને સ્લોવાકિયા આ યાદીમાં સામેલ છે. ઉપરાંત મધ્ય પૂર્વના બે દેશો અલ્જીરિયા અને ઈજિપ્ત, દક્ષિણ અને મધ્ય એશિયાના બે દેશો (નેપાળ અને શ્રીલંકા) તથા પશ્ચિમ ગોળાર્ધના બે દેશો (ગ્વાટેમાલા અને સુરીનામ)માંથી પણ કરિયર ડિપ્લોમેટ્સને પાછા બોલાવવામાં આવી રહ્યા છે.
ટ્રમ્પનો ‘અમેરિકા ફર્સ્ટ’ પર ફોકસ
ટ્રમ્પ પ્રશાસનના આ પગલાથી વિદેશ નીતિમાં મોટા ફેરફારની તૈયારી દેખાઈ રહી છે. તેથી રાજદૂતો અને અન્ય વરિષ્ઠ દૂતાવાસ પદો પરથી કર્મચારીઓને હટાવીને એવા લોકોની નિમણૂક કરવામાં આવશે, જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ પ્રાથમિકતાઓને સંપૂર્ણ રીતે સમર્થન આપે છે.
જાન્યુઆરીમાં સેવાઓ પૂર્ણ થશે
વિદેશ વિભાગના બે અધિકારીઓએ નામ ન છાપવાની શરતે જણાવ્યું કે ગયા અઠવાડિયે ઓછામાં ઓછા 29 દેશોમાં ફરજ પર હાજર રાજદૂતોને જાણ કરવામાં આવી હતી કે તેમની સેવાઓ જાન્યુઆરીમાં પૂર્ણ થશે. ગયા બુધવારથી તેમને વોશિંગ્ટનના અધિકારીઓ તરફથી નોટિસ મળવા લાગી હતી.


