- સુરતમાં ગુનાખોરીની ઘટનાઓ વધી
- ગેંગ કારનામું કરે તે પહેલા જ ઝડપાઈ
- સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી મોટી કાર્યવાહી
સુરત શહેરમાં મર્ડર, લૂંટ, ધાડ તેમજ વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ આંતરરાજ્ય ગેંગના 5 ઇસમોને સુંરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા પકડવા આવ્યા છે. આ આરોપીઓ આંગડિયા પેઢીના વાહનને રોકી લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલા જ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પાંચેય આરોપી પાસેથી લોડેડ પિસ્તોલ, મરચાની ભૂકી, છરા તેમજ એક ચોરીની મોટર સાયકલનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
જે 5 આરોપીની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે તેમાં સનત ઉર્ફે પિન્ટુ જૈન, આશુ યાદવ, સચિન કુશવાહ, જીતેન્દ્ર ઉર્ફે જીતુ અને શુભમ ગુપ્તાનો સમાવેશ થાય છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી સનત ઉર્ફે પીન્ટુ જૈન સામે અગાઉ 15 ગુનાઓ રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યા છે. જેમાં બાઇક ચોરી, લૂંટ, ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આશુ યાદવ સામે અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં લુટ વીથ મર્ડરનો ગુનો અને ઉત્તર પ્રદેશના અકબરપુર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો છે. તો જીતેન્દ્ર ઉર્ફે જીતુ નિષાદ સામે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં ત્રણ અને સરથાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો છે અને અગાઉ જીતુ ભાજપના નેતા ભરત મોના પર ફાયરિંગ કરવાના કેસમાં પણ વરાછા પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂક્યો છે. આ તમામ ઈસમો સાત દિવસ પહેલા સુરત આવ્યા હતા અને ઉત્રાણ વિસ્તારમાંથી એક મોટરસાયકલની ચોરી કરી હતી. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની મોબાઈલ સ્નેચિંગ સ્ક્વોડના માણસો દ્વારા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બાદમીના આધારે આ પાંચે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ સુરતના પુણા વિસ્તારમાં આવેલ ફોર્મેટ બિલ્ડીંગની સામે મેન રોડ પાસે જાહેરમાં વરાછા હીરાબાગ સર્કલ પાસે જય ગોપાલ નામની ટ્રાવેલ્સ કે જે સૌરાષ્ટ્ર તરફથી આંગડિયા પેઢીના રૂપિયા તથા ડાયમંડના પાર્સલો લઈને આવતી હોય તે લેવા માટે જ્યારે આંગડિયા પેઢીના માણસો વહેલી સવારે બોલેરો ગાડીમાં આવતા હોય ત્યારે આ બોલેરો ગાડીને ઉભી રાખી તેમાંથી રૂપિયા તથા ડાયમંડના પાર્સલોની લૂંટ કરવાના હતા અને લૂંટની ઘટના માટે તેઓ લોડેડ પિસ્તોલ, છરા તેમજ મરચાની ભૂકી પોતાની સાથે રાખતા હતા. જો કે તેઓ કંઈક કરી શકે તે પહેલા સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમને ઝડપી લેવામાં આવ્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચે 2 પિસ્તોલ, 4 કાર્ટીઝ, 2 છરા, 5 મોબાઇલ, 1 મોટરસાયકલ, 50 ગ્રામ મરચાની ભૂકી અને 1 બેગ સહિત કુલ 1,47,530 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ લૂંટનું કાવતરું રચીને પહેલા મોટરસાયકલ ચોરી કરતા હતા અને ત્યારબાદ મોટરસાયકલ પર ઘટના સ્થળની રેકી કરતા હતા અને આરોપી મોટા ભાગે આંગડિયા પેઢીને ટાર્ગેટ કરતા હતા અને પોતાનો હેતુ જો પાર ન પડે અને આંગડિયા પેઢીના કર્મચારી પ્રતિકાર કરે તો પિસ્તોલ વડે ફાયરિંગ કરી કર્મચારીનું મોત નિપજાવતા હતા. જો કે આ તમામ શખ્સો હવે પોલીસના હાથમાં દબોચાઈ ગયા છે.


