- સંરક્ષણ નિકાસ અને મેક ઇન ઇન્ડિયા પર સરકારનું ફોકસ
- સુખોઈ-30 ફાઈટર જેટમાં લગાવી શકાય છે બ્રહ્મોસ મિસાઈલ
- સંરક્ષણ નિકાસ 5 અબજ ડોલર સુધી વધારવાનો લક્ષ્યાંક
ભારત પોતાની સંરક્ષણ નિકાસ વધારવાના પ્રયાસોમાં છે ત્યારે હવે આ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં, આરબ દેશોમાં ભારતના ઘણા મિત્ર દેશોએ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ખરીદવામાં રસ દાખવ્યો છે. આ ઉપરાંત ઉત્તર આફ્રિકાના ઘણા દેશો પણ બ્રહ્મોસ મિસાઈલ ખરીદવા પર પણ વિચાર કરી રહ્યા છે. ભારત પાસે સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની ક્ષમતા છે, જે વિવિધ ફાઈટર જેટથી 450 કિલોમીટરના અંતરે લક્ષ્યાંકને નિશાન બનાવી શકે છે.
સુખોઈ-30 ફાઈટર જેટમાં લગાવી શકાય છે બ્રહ્મોસ મિસાઈલ
ભારતીય સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું છે કે, ‘મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકાના કેટલાક દેશોની સેનાઓ પાસે સુખોઈ-30 ફાઈટર જેટ છે, જે બ્રહ્મોસ મિસાઈલથી સજ્જ થઈ શકે છે. આ દેશોએ બ્રહ્મોસ મિસાઈલ ખરીદવામાં રસ દાખવ્યો છે અને તેને લઈને ચર્ચા ચાલી રહી છે. આ દેશોના પ્રતિનિધિમંડળો બ્રહ્મોસની ટીમો સાથે મુલાકાત કરી રહ્યા છે અને મિસાઈલની ખાસિયતો અને તેની ક્ષમતાઓ અંગે માહિતી મેળવી રહ્યા છે. બ્રહ્મોસ એરોસ્પેસને ફિલિપાઈન્સ તરફથી પહેલેથી જ ઓર્ડર મળી ચૂક્યો છે અને તે ટૂંકા ભવિષ્યમાં ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલ પહોંચાડવાનું શરૂ કરશે.
સંરક્ષણ નિકાસ અને મેક ઇન ઇન્ડિયા પર સરકારનું ફોકસ
બ્રહ્મોસ એર-ટુ-એર મિસાઇલની સાથે, સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ ખરીદવા માટે પણ ઘણા દેશો વિચાર કરી રહ્યા છે. બ્રહ્મોસ એરોસ્પેસના ચેરમેન અતુલ ડી રાણેએ કહ્યું કે પીએમ મોદીએ 2025 સુધીમાં સંરક્ષણ નિકાસને 5 અબજ ડોલર સુધી વધારવાનું લક્ષ્ય રાખ્યું છે અને અમે આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ. ભારતીય નૌસેનાએ 19 હજાર કરોડ રૂપિયાની 200 થી વધુ બ્રહ્મોસ મિસાઇલોનો ઓર્ડર પણ આપ્યો છે. બ્રહ્મોસ એરોસ્પેસ હવે અન્ય દેશોમાંથી મોટા ઓર્ડર મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.


