સીસીટીવી ફૂટેજના આધારે જામનગરમાંથી પોલીસ જીપ ઉઠાંતરી કરનારને ઝડપી લેવાયો
લોકોના જાનમાલની રક્ષા કરતા પોલીસ તંત્ર પર પણ કયારેક પડકાર આવી જાય છે. એક તસ્કરે દ્વારકા પોલીસની ગાડી ચોરી જતાં પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો હતો. તેને ઝડપી લેવા માટે સીસીટીવીના આધારે સમગ્ર સૌરાષ્ટ્રમાં નાકાબંધી કરવામાં આવી હતી અને તસ્કરને ઝડપવા આકાશ પાતાળ એક કરતા અંતે જામનગરમાંથી પોલીસ જીપની ઉઠાંતરી કરનાર તસ્કર ઝડપાઇ ગયો હતો. પોલીસે ત્યારબાદ રાહતનો શ્વાસ લીધો હતો.
પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકા પોલીસ મથકની જીજે ૧૮ જીબી ૭૨૬૯ નંબરની સરકારી બોલેરો જીપ કે જે દ્વારકા પોલીસ મથકના કમ્પાઉન્ડમાં રાખવામાં આવી હતી જે ગઇકાલે સવારે આશરે ૮:૧૫ વાગ્યાના સમયે કોઇ શખ્સ ચોરી કરીને લઇ ગયો હોવાનું ખુલવા પામ્યુ હતું.
આ ગંભીર બાબતે પોલીસે તાકીદની કાર્યવાહી કરી, દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી તથા એસઓજી પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરી હતી. આ બોલેરો વાહન સૌ પ્રથમ તો દ્વારકા નજીકના કુરંગા અને ત્યારબાદ ખંભાળીયાના ટોલનાકા પાસેથી પસાર થઇ અને જામનગર તરફ ગયું હોવા અંગેના સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ લાગ્યા હતા. જેથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિર્દેશ પાંડેયની સુચના મુજબ આ બાબતે જામનગર જિલ્લા પોલીસને જાણ કરવામાં આવી હતી.
જામનગર એલસીબી પોલીસ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી પોલીસ દ્વારા જામનગરમાં આવેલી અંબર ચોકડી પાસેથી આ બોલેરો જીપને ઝડપી પાડવામાં આવી હતી. આ બોલેરોમાં એક જ શખ્સ હતો જેનો ચાલક મોહિત અશોકભાઇ શર્મા કે જે ગાંધીધામનો હોવાનું ખુલ્યુ છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.


