- હિમાચલ પ્રદેશની એક બેઠક પર કોંગ્રેસના અભિષેક મનુ સંઘવીની હાર
- બંને ઉમેદવારોને સરખા મત મળતા આખરે ચિઠ્ઠી ઉપાડીને નિર્ણય કરાયો
- સીએમ સુખવિંદર સિંહ સુખુએ વિપક્ષ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપો
હિમાચલ પ્રદેશની રાજ્યસભાની એક બેઠક માટે આજે મતદાન થયું હતું. જેનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. સત્તાધારી પાર્ટી કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીને હરાવીને ભાજપના હર્ષ મહાજને રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવીને ઈતિહાસ સર્જી દીધો છે. બંને પક્ષના ઉમેદવારોને 34-34 મત મળ્યા હતા. ત્યારબાદ, પરચી ઉઠાવીને નિર્ણય લેવામાં આવ્યો જેમાં ભાજપની જીત થઈ. કોંગ્રેસના ધારાસભ્યોના ક્રોસ વોટિંગને કારણે ભાજપ જીતની નજીક પહોંચી ગયું હતું.
સુખુએ વિપક્ષ પર લગાવ્યો ગુંડાગીરી કરવાનો આરોપ
પરિણામો જાહેર થયા બાદ સીએમ સુખુએ નિવેદન આપતા જણાવ્યું હતું કે વિપક્ષના નેતા જયરામ ઠાકુર વારંવાર મતગણતરી સ્થળ પર આવીને ધમકી આપી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે સુદર્શન બબલુને શા માટે મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી. જો મતદાનની મંજૂરી ન હોય તો ચૂંટણી કેવી રીતે યોજાશે? વિપક્ષ તરફથી ગુંડાગીરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ની ટીમ અને હરિયાણા પોલીસના કાફલાએ 5-6 ધારાસભ્યોને ઝડપી લીધા છે. જે લોકો નીકળી ગયા છે તેમના પરિવારજનો દ્વારા સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
હું તેમને તેમના પરિવારજનોનો સંપર્ક કરવા વિનંતી કરું છું, ચિંતા કરવાની જરૂર નથી. આ યોગ્ય નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે હજુ મતગણતરી થઈ રહી છે. તમે ધીરજ રાખો. કોંગ્રેસ પાસે સંપૂર્ણ બહુમતી છે. પરિણામ જલ્દી આવશે. હિમાચલના લોકો આ પ્રકારની સંસ્કૃતિને સહન કરશે નહીં. ક્રોસ વોટિંગ પર મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે જનતાએ કોંગ્રેસના ધારાસભ્યોને ચૂંટ્યા છે. પરંતુ પક્ષની વિરૂદ્ધમાં ક્રોસ વોટિંગની વાત સામે આવી રહી છે તેમ જનતા જોઈ રહી છે.


