- કર્પૂરી ઠાકુર બિહારમાં જનનાયક તરીકે જાણીતા હતા
- પછાત વર્ગના હિતોની હિમાયત કરવા માટે જાણીતા
- આવતીકાલે સ્વ. કર્પૂરી ઠાકુરની 100મી જન્મજયંતી
બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવનાર છે. કેન્દ્ર સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રીની 100મી જન્મજયંતિના એક દિવસ પહેલા આ સન્માનની જાહેરાત કરી છે. કર્પૂરી ઠાકુર પછાત વર્ગના હિતોની હિમાયત કરવા માટે જાણીતા હતા.
કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ ઘણા સમયથી ઉઠી રહી હતી. મંગળવારે 22 જાન્યુઆરીના રોજ JDU નેતા કેસી ત્યાગીએ ઠાકુરને ભારત રત્ન આપવાની સાથે તેમના નામે યુનિવર્સિટી ખોલવાની માંગ કરી હતી.
પીએમ મોદીએ ટ્વિટ કરીને જાહેરાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી કર્પૂરી ઠાકુરની એક તસવીર શેર કરતાં લખ્યું, “મને ખુશી છે કે ભારત સરકારે સામાજિક ન્યાયના પ્રતિક મહાન જનનાયક કર્પુરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે અને તે પણ એવા સમયે જ્યારે આપણે તેમની જન્મશતાબ્દીની ઉજવણી કરી રહ્યા છીએ. હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના એક ચેમ્પિયન તેમજ સમાનતા અને સશક્તિકરણના એક દિગ્ગજમાં આ આ પ્રતિષ્ઠિત સન્માન તેમના સતત પ્રયત્નોનું પ્રમાણ છે.”
પીએમ મોદીએ વધુમાં લખ્યું કે, ‘દલિતોના ઉત્થાન માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને તેમના દૂરંદેશી નેતૃત્વએ ભારતના સામાજિક-રાજકીય પૃષ્ટ પર એક અમિટ છાપ છોડી છે. આ પુરસ્કાર ન માત્ર તેમના નોંધપાત્ર યોગદાનને જ સન્માનિત કરે છે પરંતુ વધુ ન્યાયપૂર્ણ અને ન્યાયસંગત સમાજ બનાવવાના તેમના મિશનને ચાલુ રાખવા માટે પણ અમને પ્રેરણા આપે છે.”
કર્પૂરી ઠાકુર બે વખત બન્યા હતા બિહારના સીએમ
કર્પૂરી ઠાકુરને બિહારમાં જનનાયક તરીકે ઓળખવામાં આવે છે. તેઓ થોડા-થોડા સમય માટે બિહારના મુખ્યમંત્રી બન્યા હતા. મુખ્યમંત્રી તરીકે તેમનો પ્રથમ કાર્યકાળ ડિસેમ્બર 1970 થી જૂન 1971 સુધી ચાલ્યો હતો અને ત્યારબાદ તેઓ ડિસેમ્બર 1977 થી એપ્રિલ 1979 સુધી મુખ્યમંત્રી પદે રહ્યા હતા. પ્રથમ વખત તેઓ સમાજવાદી પાર્ટી અને ભારતીય ક્રાંતિ દળની સરકારમાં મુખ્યમંત્રી બન્યા અને બીજી વખત જનતા પાર્ટીની સરકારમાં મુખ્યમંત્રી બન્યા.
સ્વતંત્રતા સંગ્રામમાં પણ જોડાયા, જેલમાં પણ ગયા
કર્પુરી ઠાકુરનો જન્મ બિહારના સમસ્તીપુર જિલ્લાના પીતૌજિયા (હાલનું કર્પુરી ગામ) ગામમાં ગોકુલ ઠાકુર અને રામદુલારી દેવીના પરિવારમાં થયો હતો. તેમના વિદ્યાર્થીકાળ દરમિયાન તેઓ રાષ્ટ્રવાદી વિચારોથી પ્રભાવિત થયા હતા અને ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશનમાં જોડાયા. તેમણે ભારત છોડો આંદોલનમાં જોડાવા માટે તેમની સ્નાતક કોલેજ છોડી દીધી હતી. સ્વતંત્રતા સંગ્રામમાં જોડાવા માટે તેમણે 26 મહિના જેલમાં વિતાવ્યા હતા.


