- ભાજપે રાજકીય સમીકરણો બદલી નાખ્યાં
- ઓડિશામાં ભાજપના માત્ર 22 ધારાસભ્યો હોવા છતાં અશ્વિની ઉમેદવાર
- રાજ્યમાં ઉમેદવારને વિજય માટે 38 ધારાસભ્યનું સમર્થન જોઈએ
ભાજપે ઓડિશાથી રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને ઉમેદવાર જાહેર કર્યા છે. પરંતુ ધારાસભામાં ભાજપના માત્ર 22 જ ધારાસભ્યો છે. પરંતુ રાજ્યમાં ઉમેદવારને વિજય માટે 38 ધારાસભ્યનું સમર્થન જોઈએ. તો બાકીના સમર્થક ધારાસભ્યોની વ્યવસ્થા કરવી કઈ રીતે? બીજેડીના સમર્થનના રૂપમાં આ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો છે. ઓડિશાના સત્તાધારી પક્ષ બીજેડીએ રાજ્યસભાના ઉમેદવાર તરીકે અશ્વિની વૈષ્ણવને સમર્થન આપવા નિર્ણય લીધો છે. બીજેડીએ નિવેદન જારી કરીને આ બાબતની જાણકારી આપી છે. બીજેડી તરફથી આ પહેલાં પૂર્વ ધારાસભ્ય દેવાશિષ અને યૂથ વિંગના નાયબ પ્રમુખ સુભાશિષ ખૂંટિયાની ઉમેદવાર તરીકે જાહેરાત થઈ હતી. પરંતુ પક્ષના ત્રીજા ઉમેદવાર કોણ રહેશે? તે વાતે ચર્ચા ચાલી રહી હતી. ચર્ચાને અંતે ભાજપે અશ્વિની વૈષ્ણવની ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ ઓડિશાથી બીજીવાર રાજ્યસભામાં પહોંચશે. ગત મુદત વખતે પણ બીજેડીએ વૈષ્ણવને સમર્થન આપ્યું હતું. બીજુ જનતા દળ ધારાસભામાં કુલ 109 ધારાસભ્ય ધરાવે છે.
રાજ્યમાં કોંગ્રેસના માત્ર 9 ધારાસભ્યો છે. ત્રણેય ઉમેદવારોને જીત માટે પ્રાથમિક મતદાનમાં 38 મતની જરૂર છે. તેને પગલે અત્યારસુધી બીજેડીના રાજ્યસભાના ત્રીજા ઉમેદવાર વિશે અટકળો ચાલી રહી હતી. જોકે છેલ્લે ભાજપ અને બીજેડીએ
રાજ્યસભાની ચૂંટણી માટે હાથ મિલાવી લીધા.
નવા સમીકરણના સંકેત
બીજેડીના સમર્થનથી અશ્વિની વૈષ્ણવ રાજ્યસભામાં પહોંચે તે મહત્ત્વની રાજકીય ઘટના છે. નવા સમીકરણોના સંકેત આપે છે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પછી જરૂર પડે તો બંને પક્ષો હાથ મિલાવી શકે છે. ઇન્ડિયા ગઠબંધન વેરવિખેર થઈ રહ્યું છે તો ભાજપ નવા રાજકીય પક્ષો અને નેતાઓ સાથે હાથ મિલાવી રહ્યું છે.


