- ડિસ્ટ્રિક્ટ આયુષ સોસાયટીની મિટિંગ, ત્રણ નવા પ્રોજેક્ટની જાહેરાત
- આયુષ કેમ્પ, યોગ શિબિરો કરીને લોકોને જોડામાં આવશે
- અંતર્ગત જિલ્લામાં ત્રણ નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હોવાની જાહેરાત
જિલ્લા સેવા સદન ખાતે ડિસ્ટ્રિક્ટ આયુષ સોસાયટીની મિટિંગ મળી હતી. જેમાં વર્ષ 2023-24માં મંજૂર થયેલા ડીએએપીની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર મેહુલ દવેના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદીના સહઅધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી. જે અંતર્ગત જિલ્લામાં ત્રણ નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હોવાની જાહેરાત કરાઈ હતી.
નવા આયોજનોમાં જિલ્લાની 28 શાળાઓમાં આયુર્વિદ્યા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. જેમાં મેડિકલ ઓફ્સિરો દ્વારા શાળાઓની મુલાકાત લઈ દેશનું ભવિષ્ય એવા બાળકોને સ્વસ્થ રહે તે માટે આયુર્વેદ અને યોગ વિશે પ્રશિક્ષિત કરવામાં આવશે.વયોમિત્ર પ્રોજેક્ટ અંતર્ગત વૃદ્ધો માટે અવસ્થાજન્ય રોગોથી બચાવ અને સ્વસ્થ અને આનંદમય વૃદ્ધાવસ્થા ભોગવી શકે તે માટે આયુર્વેદ અનુસાર માર્ગદર્શન અને કામગીરી કરવામાં આવશે. આયુષ ગ્રામ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાના બે ગામ બિલેશ્વરપુરા અને જમિયતપુરાને આયુષ ગ્રામ બનાવવામાં આવશે. જે અંતર્ગત આયુષ તરફ્ લોકો અભિમુખ થાય અને આયુષ અપનાવી સ્વસ્થ રહે તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિગમને લઈને વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે આયુષ કેમ્પ, યોગ શિબિર, હર્બલ ગાર્ડન નિર્માણ વગેરે કરવામાં આવશે. દહેગામ તાલુકાના ખાનપુર ખાતે દવાખાનાનું મકાન 30 લાખના ખર્ચે અપગ્રેડ કરવામાં આવશે. મિટિંગ દરમિયાન કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સચોટ જાણકારી લોકોને મળી રહે અને જિલ્લાવાસીઓ સ્વસ્થ રહે તે માટે આયુષના પ્રચાર – પ્રસાર પર ભાર મૂકવા જણાવ્યું હતું. આ ઉપરાંત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફ્થી ફળવવામાં આવતી તમામ ગ્રાન્ટ સમયસર વપરાઈ જાય તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું.


