- બહેનો ઔર ભાઇઓ..ના ગુંજન સાથે સમગ્ર દેશને ગીતમાલાના તાંતણે બાંધી રાખનાર કસબીની વિદાય
- દેશમાં શ્રોતાઓને રેડિયો સાથે જોડવામાં તેમની ભૂમિકાને મહત્ત્વની ગણવામાં આવે છે
- મશહૂર રેડિયો પ્રોગ્રામ ગીતમાલા મારફત પ્રસિદ્ધિના શિખર સુધી પહોંચી ગયા હતા
રેડિયોના માધ્યમથી દાયકાઓ સુધી ચાહકોના દિલો પર રાજ કરનારા અમીન સાયાનીનું બુધવારે નિધન થયું હતું. તેઓ મશહૂર રેડિયો પ્રોગ્રામ ગીતમાલા મારફત પ્રસિદ્ધિના શિખર સુધી પહોંચી ગયા હતા. તેમણે 91 વર્ષની વયે આખરી શ્વાસ લીધો હતો. તેમના પુત્ર રાજીલ સાયાનીએ જણાવ્યું હતું કે તેમને હાર્ટએટેક આવ્યો હતો. તેમને તરત એચએન રિલાયન્સ હોસ્પિટલ લઇ જવાયા હતા પણ બચાવી શકાયા ન હતા. 21 ડિસેમ્બર, 1932ના રોજ મુંબઈમાં જન્મેલા અમીન સાયાનીનો અવાજ રેડિયો પર એક ઓળખ બની ગયો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં જ બહેનો ઔર ભાઇઓ કહીને સંબોધન કરવું અને ગીતોની વચ્ચે રસપ્રદ પ્રસંગો સંભળાવવાની તેમની કળા લોકોને રેડિયો સાથે બાંધીને રાખતી હતી. તેમના ગીતમાલાના કાર્યક્રમની ચાહકો આતુરતાથી રાહ જોતા હતા. દેશમાં શ્રોતાઓને રેડિયો સાથે જોડવામાં તેમની ભૂમિકાને મહત્ત્વની ગણવામાં આવે છે. ગીતો અને ફિલ્મો સાથે જોડાયેલા તમામ કિસ્સાઓ તેમની પાસે હતા અને આ કિસ્સાઓની રજૂઆત એટલી ખૂબીથી કરતા હતા કે ચાહકો તેની આતુરતાથી રાહ જોતા રહેતાં. અમીન સાયાનીના નિધનથી રેડિયોની દુનિયામાં એક યુગ સમાપ્ત થઇ ગયો છે.
છ દાયકા લાંબી કેરિયરનો સમૃદ્ધ ખજાનો સચવાયેલો છે
અમીન સાયાનીએ લગભગ છ દાયકા સુધી રેડિયો પર રાજ કર્યું હતું. તેમણે જે એક એકથી ચડિયાતા કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતાં તે હાલમાં આપણી વચ્ચે સમૃદ્ધ ખજાના તરીકે રેકોર્ડીંગ ના રૂપમાં ઉપલબ્ધ છે. તેમણે લગભગ 54 હજાર રેડિયો પ્રોગ્રામ કર્યા હતા. ઉપરાંત 19 હજાર વોઇસ ઓવર પણ આપ્યા હતા. અનેક જાહેરાતો માટે પણ તેમણે અવાજ આપ્યો હતો. તેમણે કેટલીક ફિલ્મોમાં નાનકડા રોલ પણ કર્યા છે. ભૂત બંગલા, તીન દેવિયાં, બોક્સર અને કત્લ ફિલ્મમાં તેમની ભૂમિકા જોવા મળી હતી. આ તમામ ફિલ્મોમાં તેમણે ઇવેન્ટ માટે એનાઉન્સરની ભૂમિકા કરી હતી. તેમણે રેકોર્ડ કરેલાં અસંખ્ય કાર્યક્રમોને આજે પણ લોકો યૂટયૂબથી સાંભળ્યા કરે છે.


