- સમય વીત્યો અને નરસપુરના ઠાકુર રતનરાયના ઘરે માતા દેવકીની કૂખે સંવત 1229ના ચૈત્ર માસની શુક્લ પક્ષની બીજે બાળક જન્મ્યો
ચૈત્ર સુદ બીજના દિવસે સિંધી તથા લોહાણા સમાજના લોકો પોતાના આરાધ્ય દેવ ભગવાન ઝુલેલાલની જન્મજયંતી રંગેચંગે ઊજવે છે. જેને આપણે સૌ ચેટીચાંદ (ચેટીચંડ) તરીકે ઓળખીએ છીએ. આ દિવસે ચંદ્રદર્શન થાય છે અને તેની સાથે તેમના નૂતન વર્ષનો શુભારંભ થાય છે. આ દિવસે સિંધી સમાજ દ્વારા વરુણ દેવતા સ્વરૂપ ઝુલેલાલની પૂજા-અર્ચના કરીને શોભાયાત્રા કાઢવામાં આવે છે. જાણીએ ચમત્કારી ભગવાન ઝુલેલાલના અવતારની દંતકથા.
શતાબ્દીઓ પહેલાં પાકિસ્તાનમાં આવેલા સિંધ પ્રદેશમાં સાહતખાન નામના રાજાનું શાસન ચાલતું હતું. તે સમયે સરદાર મકબરખાને સાહતખાનની કતલ કરીને તે સિંધની ગાદીએ ચઢી બેઠો. તેણે મરખશાહ (મિર્ખ) નામ ધારણ કરીને પોતાની આણ વર્તાવી. મરખશાહ ધર્માંધ અને ઝનૂની હતો. આ બાદશાહનો એક વજીર તેનું નામ હતું `આહા’. આ આહા મરખશાહ બાદશાહને હરહંમેશ હિન્દુઓ વિરુદ્ધ ઉશ્કેરતો હતો.
એક વખત બાદશાહે સિંધમાં ધર્મપરિવર્તન માટે ફરમાન બહાર પાડ્યું. આ ફરમાન સાંભળીને પ્રજા ખળભળી ઊઠી. છેવટે બધાએ નક્કી કર્યું કે સાગરતટે જઈને દરિયાલાલની આરાધના કરવી. હવે તો આપણને વરુણદેવ જ બચાવશે. પ્રાર્થના, ભજન, કીર્તનમાં આખો દિવસ વીતી ગયો. ત્રણ ત્રણ દિવસ સુધી ભૂખ્યા-તરસ્યા લોકો વરુણદેવને ભજતા રહ્યા. ત્રીજા દિવસે વરુણદેવ ભગવાન ઝુલેલાલે જલપતિના રૂપમાં મત્સ્ય પર સવાર થઈને દર્શન આપ્યાં અને આકાશવાણી થઈ કે, `હે ભક્તો, તમે સર્વે ગભરાયા વિના ઘરે જાઓ. તમારું સંકટ દૂર કરવા માટે હું થોડા દિવસમાં નરસપુરના ઠાકુર રતનરાયના ઘરે માતા દેવકીની કૂખે અવતાર ધારણ કરીશ.’
સમય વીત્યો અને નરસપુરના ઠાકુર રતનરાયના ઘરે માતા દેવકીની કૂખે સંવત 1229ના ચૈત્ર માસની શુક્લ (સુદ) પક્ષની બીજે બાળક જન્મ્યો. આ વાત બધે પ્રસરી ગઈ. બાળકનું નામ પાડવામાં આવ્યું ઝુલેલાલ. આ દરમિયાન વજીર `આહા’ પોતાના રસાલા સાથે નરસપુરમાં આવ્યા. તેણે તપાસ કરી કે નરસપુરમાં કેટલાં નવાં બાળકો જન્મ્યાં છે? તો એને જાણવા મળ્યું કે લોહાણા જ્ઞાતિના રતનરાય ઠાકુરને ત્યાં એક બાળકનો જન્મ થયો છે. આહા એ સાંભળીને રતનરાયને ત્યાં પહોંચ્યા, વજીર આહાને પોતાને ત્યાં આવેલો જોઇને રતનરાય ઠાકુર ગભરાયા અને સઘળી પરિસ્થિતિ તેઓ પામી ગયા. વજીરે ઠાકુરને જણાવ્યું કે બાદશાહનું ફરમાન છે કે તમો તમારા બાળક સાથે રાજદરબારમાં હાજર થાઓ. ત્યારે ઠાકુરે વજીરને જણાવ્યું કે: વજીર સાહેબ, બાળક તો હજુ નાનું છે. થોડુંક મોટું થશે ત્યારે અમે રાજદરબારમાં બાદશાહનાં દર્શન કરવા માટે સાથે લાવીશું. અત્યારે તમે દરબારગઢમાં પાછા જાઓ. આટલું સમજાવીને વજીરે આહાને વિદાય કર્યો. ત્યાં તો વજીર આહાની પહેલાં એ બાળક બાદશાહ પાસે શાહી મહેલમાં પહોંચી ગયું.
મરખશાહે એ બાળકને પકડવા માટે પહેરેગીરોને હુકમ આપ્યો હતો, પરંતુ કેમેય કરીને એ બાળક હાથમાં ન આવ્યું. પહેરેગીરો હેરાન-પરેશાન થઈ ગયા. બાળકનાં જાતજાતનાં રૂપો અને ચમત્કારો જોઇને સૌ દંગ થઇ ગયા. ત્યારે એ બાળકે રાજાને કહ્યું કે, હે રાજન, અલ્લાહ એક છે, એને તમે ઈશ્વર કહો કે ખુદા! અલ્લાહની નિગાહમાં ન કોઇ હિન્દુ છે ન કોઇ મુસલમાન. તમે કુરાને શરીફમાં માનો છો તે કુરાને શરીફમાં સ્પષ્ટ ફરમાવ્યું છે કે સર્વે પદાર્થમાં ઈશ્વરનો સાક્ષાત્કાર કરો. બાળકની આ વાત સાંભળીને બાદશાહની આંખો ઊઘડી ગઈ. બાદશાહે ફરમાન કર્યું કે હિન્દુઓ ભલે તેમનો ધર્મ પાળે, આપણે કોઈના ધર્મની આડે આવવું નહીં. આ બાળક ભગવાન ઝુલેલાલના નામે જગપ્રસિદ્ધ થયું.
ઝુલેલાલનું પૂજન
હિન્દુ સંસ્કૃતિને બચાવી, હિન્દુ ધર્મ બચાવ્યો ત્યારપછી સિંધમાંથી ભારતમાં આવેલાં જે સિંધી ભાઈ-બહેનો ઝુલેલાલની જન્મજયંતી પરંપરાગત મનાવે છે. આ દિવસે ઝુલેલાલની પૂજા-અર્ચના કરવામાં આવે છે. પૂજામાં વિશેષ નૈવેદ્ય ધરાવવામાં આવે છે. કાંસાની થાળીમાં પૂજાપો, પુષ્પો, પાંચ ફળો, મિષ્ટાન્ન મોદક વગેરે રાખીને ભગવાનની પૂજા કરવામાં આવે છે.
`પાંજરા’ અને ભજનો ગાઇને ભગવાનની આરાધના કરવામાં આવે છે. પુરુષો `કુંજા’ (લાઠી) લઈને ઢોલ-નગારાંના તાલે અને શરણાઈના સૂરે `છેજી’ નૃત્ય કરે છે. આરતી ઉતારી `પલ્લવ’ વિધિ દ્વારા સૌ ભગવાન પાસે સુખાકારીની પ્રાર્થના કરે છે. ચણા, ચોખા અને ભાતની પ્રસાદી આપસમાં વહેંચાય છે. સિંધી સમાજમાં જળને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. તેઓ તેને દરિયાલાલ કે જીવંત દેવ તરીકે પૂજે છે. ચેટીચાંદની પૂજામાં અંતે સૌ ભાવિકો ઉપર જળનો છંટકાવ કરવામાં આવે છે. આમ, સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતભરમાં સિંધી ભાઈ-બહેનો તથા લોહાણા સમાજ ભગવાન ઝુલેલાલની જન્મજયંતી રંગેચંગે મનાવે છે.