– બિટકોઈન ઈટીએફ અટકાવવાની કવાયત પડતી મૂકવા એસઈસીને અનુરોધ
Updated: Oct 21st, 2023
મુંબઈ : સ્પોટ બિટકોઈન એકસચેન્જ ટ્રેડેડ ફન્ડ (ઈટીએફ) શરૂ થવાની શકયતા વધી જતા મુખ્ય ક્રિપ્ટોકરન્સી બિટકોઈનનો ભાવ શુક્રવારે ૧૨૦૦ ડોલરથી વધી ૩૦,૦૦૦ ડોલરની નજીક પહોંચી ગયો હતો. બિટકોઈન પાછળ અન્ય ક્રિપ્ટોસમાં પણ સુધારાની ચાલ જોવા મળી હતી.
છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન ઉપરમાં ૨૯૮૧૯ અને નીચામાં ૨૮૨૮૬ થઈ મોડી સાંજે ૨૯૬૩૫ મુકાતો હતો. એથરમ પણ ૧૬૦૦ ડોલરને પાર કરી ૧૬૦૯ ડોલર મુકાતો હતો. વૈશ્વિક ક્રિપ્ટોકરન્સીઝની માર્કેટ કેપ વધી ૧.૧૧ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ હતી.
બિટકોઈન ઈટીએફને મંજુરી માટે પોતાના વલણને હળવું કરવા અમેરિકાના સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ કમિશન (એસઈસી) પર દબાણ વધી રહ્યું છે. હાઉસ ફાઈનાન્સિઅલ કમિટિના ચાર સભ્યોએ વર્તમાન સપ્તાહના પ્રારંભમાં એસઈસીને લખેલા પત્રમાં કોર્ટના રુલીંગને માન આપી બિટકોઈન ઈટીએફસને અટકાવવાની કવાયત પડતી મૂકવા અનુરોધ કર્યો હતો.
ગ્રેસ્કેલ સહિત કેટલાક એસેટ મેનેજરોએ સ્પોટ બિટકોઈન ઈટીએફ લોન્ચ કરવા માટે અગાઉથી જ અરજી કરી છે. આ સંદર્ભે કોર્ટે પણ ગ્રેસ્કેલની તરફેણમાં રુલીંગ આપ્યું હતું જેને એસઈસી દ્વારા પડકારાયું નથી.
ગ્રેસ્કેલના કેસમાં ક્રિપ્ટો માર્કેટસની તરફેણમાં ચુકાદો આવતા ક્રિપ્ટોસ ખેલાડીઓના માનસમાં સુધારો થયાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
દરમિયાન ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ તથા ફાઈનાન્સિઅલ સ્ટેબિલિટી બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં કરાયેલી ભલામણ છતાં ભારત સરકાર ક્રિપ્ટોકરન્સીઝ સંદર્ભમાં તબક્કાવાર આગળ વધવા માગે છે અને તેમાં કોઈ ઉતાવળ નહીં કરે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
ક્રિપ્ટો એસેટસ માટે લાઈસન્સિંગ તથા નિયમનોની ભલામણ કરી રિપોર્ટમાં ફાઈનાન્સિઅલ એકશન ટાસ્ક ફોર્સની રચના કરવા પણ દરેક દેશોને સૂચન કરાયું છે, જેથી મની લોન્ડરિંગ તથા ટેરર ફન્ડિંગને અટકાવી શકાય.