– ૨૦૨૩માં બિટકોઈનના ભાવમાં ૧૦૦ ટકાથી પણ વધુ ઉછાળો
Updated: Oct 25th, 2023
મુંબઈ : બિટકોઈનની આગેવાની હેઠળ ક્રિપ્ટોકરન્સીઝમાં દશેરાના દિવસે જોરદાર તેજી જોવા મળી હતી. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન ૫૦૦૦ ડોલરથી વધુ ઉછળીને ફરી ૩૫૦૦૦ ડોલરની સપાટી હાંસલ કરી હતી. એકસચેન્જ ટ્રેડેડ બિટકોઈન ફન્ડસ હવે હકીકત બનવાની નજીકમાં હોવાની ગણતરીએ બિટકોઈનમાં છેલ્લા પાંચ દિવસથી સતત સુધારો જોવા મળી રહ્યો છે.
છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન ઊંચામાં ૩૫૧૯૮ ડોલર જોવા મળ્યો હતો. અન્ય ક્રિપ્ટો એથરમમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. ૨૦૨૩માં બિટકોઈનના ભાવ બમણા થઈ ગયા છે. ક્રિપ્ટોકરન્સીઝની વૈશ્વિક માર્કેટ કેપ પણ વધી ૧.૨૯ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ હતી. બિટકોઈનનો ભાવ મે ૨૦૨૨ બાદ સૌથી ઊંચી સપાટીએ જોવા મળ્યો છે.
ઊંચા મથાળે બિટકોઈનમાં નફારૂપી વેચવાલી આવતા મોડી સાંજે ભાવ ઘટી ૩૪૪૦૦ ડોલર બોલાતો હતો. એથરમનો ભાવ ૧૮૩૦ ડોલર મુકાતો હતો.
૨૦૨૩ના પ્રારંભમાં બિટકોઈનનો ભાવ બમણાથી પણ વધુ વધી ગયો છે. ૨૦૨૨ની ૩૧ ડિસેમ્બરના અંતે માર્કેટ કેપ જે ૭૯૦ અબજ ડોલર રહી હતી. બિટકોઈનનો ભાવ ૨૦૨૩ના પ્રારંભમાં ૧૬૮૦૧ ડોલર જ્યારે એથરમ ૧૨૫૦ ડોલર બોલાતો હતો.
ગયા સપ્તાહના અંતે ક્રિપ્ટોકરન્સીઝમાં જોવા મળેલું પોઝિટિવ માનસ સતત જળવાઈ રહ્યું છે. બિટકોઈન, એથરમ જેવી મુખ્ય ક્રિપ્ટોસના ભાવ મંગળવારે સતત પાંચમા દિવસે સુધારા તરફી રહ્યા હતા.
બિટકોઈન ઈટીએફને મંજુરી મળી જવા સાથે વધુ રોકાણકારો ક્રિપ્ટો માર્કેટસમાં પ્રવેશવાની ધારણાં છે અને તેને કારણે વોલ્યુમ તથા લિક્વિડિટીમાં વધારો થવાની અપેક્ષાએ ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.


