ઊંચી કિંમતોના કારણે બહારના શિપમેન્ટ પ્રભાવિત થયા હોવાથી સરકારે બાસમતી ચોકાની નિકાસ કિંમત ઘટાડી
અગાઉ બિન-બાસમતી ચોખાનું ગેરકાયદેસર શિપમેન્ટ થતું હોવાની આશંકાને પગલે નિકાસ કિંમતો વધારી હતી
Updated: Oct 26th, 2023
નવી દિલ્હી, તા.26 ઓક્ટોબર-2023, ગુરુવાર
કેન્દ્ર સરકારે પ્રતિ ટન બાસમતી ચોખા (Basmati Rice)ની નિકાસ કિંમત ઘટાડી 950 અમેરિકી ડૉલર કરવાનો નિર્ણય કર્યો છે. અગાઉ તેની કિંમત 1200 અમેરિકી ડૉલર હતી. સરકારના જણાવ્યા મુજબ ઊંચી કિંમતોના કારણે બહારના શિપમેન્ટ પ્રભાવિત થઈ રહ્યા છે, જેના કારણે આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનિય છે કે, પ્રીમિયમ બાસમતી ચોખાની આડમાં બિન-બાસમતી ચોખાનું ગેરકાયદેસર શિપમેન્ટ થતું હોવાની આશંકાને પગલે સરકારે 1200 અમેરિકી ડૉલરથી ઓછા ભાવે પ્રતિ ટન બાસમતી ચોખાના નિકાસને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો હતો.
ઓગસ્ટમાં કિંમત 1200 ડૉલર પ્રતિ ટન કરાઈ હતી
દેશમાં ચોખાની ઉપલબ્ધતા જાળવી ભાવને અંકૂશમાં રાખવા સરકારે વર્તમાન વર્ષના ઓગસ્ટમાં બાસમતિના લઘુત્તમ નિકાસ ભાવ પ્રતિ ટન 1200 ડૉલર નિશ્ચિત કર્યા છે. આ ભાવથી નીચે નિકાસકારો નિકાસ કરી શકતા નથી. ચોખા એ મુખ્ય ખરીફ પાક છે. વર્તમાન મોસમના વાવેતરની કામગીરી પૂરી થઈ છે. પરંતુ ચોખાનો નવો પાક જાન્યુઆરીથી આવવાનો શરૂ થશે, ત્યારે સરકારે નિકાસ કિંમતમાં ઘટાડો કરતાં નિકાસકારોને રાહત થઈ છે.
ભારત તથા પાકિસ્તાન બાસમતિના મોટા ઉત્પાદક દેશ
વર્તમાન વર્ષનું ચોમાસુ કેટલાક વિસ્તારોમાં અપ્રમાણસર રહેતા સરકારની નજર હાલમાં ચોખાના ઉત્પાદન પર પણ રહેલી છે. દેશના પાંચ રાજ્યોમાં નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી હોવાનું ધ્યાનમાં રાખી સરકાર ખાધાખોરાકીના ભાવમાં વધારો ન થાય તેની તકેદારી લેવા માગે છે. ભારત તથા પાકિસ્તાન બાસમતિના મોટા ઉત્પાદક દેશ છે. ભારતના બાસમતિ ચોખાની નિકાસ મુખ્યત્વે યમન, અમેરિકા, સાઉદી અરેબિયા, યુએઈ વગેરે દેશોમાં થાય છે.


