- ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને 16 વોટ મળ્યાં
- આપ-કોંગ્રેસના ઉમેદવારોને માત્ર 12 વોટ મળ્યાં
- ચંદીગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં 8 મત અમાન્ય
ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. કોંગ્રેસ-આમ આદમી પાર્ટી ગઠબંધનનો પરાજય થયો છે. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને 16 વોટ મળ્યા છે જ્યારે આપ-કોંગ્રેસના ગંઠબંધનના ઉમેદવારને માત્ર 12 વોટ મળ્યા છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ચંદીગઢ પ્રશાસનના આદેશને રદ કરી દીધો હતો, જેમાં ચૂંટણી સ્થગિત કરવાનું કહ્યું હતું. કોર્ટે 30 જાન્યુઆરીએ ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો હતો. ચંદીગઢના ડેપ્યુટી કમિશનરે મેયરની ચૂંટણીની તારીખ 18 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો, જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. મેયરની ચૂંટણી કરાવવાની જવાબદારી ડેપ્યુટી કમિશનરને સોંપાઈ હતી.
ચૂંટણીમાં કોંગ્રેસ-આપના આઠ મત અમાન્ય
પંજાબ-હરિયાણા હાઈકોર્ટના હસ્તક્ષેપ અને ઘણા વિવાદો બાદ આજે ચંદીગઢમાં મેયર પદ માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ-આપના આઠ મત અમાન્ય થયાં હતાં જેના કારણે ભાજપના ઉમેદવારની જીત થઈ છે, જ્યારે આમ આદમી પાર્ટી-કોંગ્રેસના ઉમેદવારની હાર થઈ છે. આ ચૂંટણીને INDIA બ્લોકની લિટમસ ટેસ્ટ માનવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં INDIA ગઠબંધન પહેલી જ ટેસ્ટમાં હારી ગયું છે.
ચૂંટણીમાં ભાજપને 16 વોટ મળ્યાં
મળતી માહિતી અનુસાર, ચંદીગઢમાં મેયરની ચૂંટણીમાં ભાજપને 16 વોટ મળ્યાં છે, જેમા ભાજપ ઉમેદવાર મનોજ સોનકર જીત્યાં છે. જ્યારે કોંગ્રેસના મેયર ઉમેદવારને માત્ર 12 મત મળ્યાં છે. વાસ્તવમાં કોંગ્રેસ પાસે 7 વોટ હતાં, જ્યારે આમ આદમી પાર્ટીને 13 વોટ હતાં. જેમાંથી 8 મત અમાન્ય રહ્યાં છે.
થોડા સમયમાં મેયર પદની મતગણતરી હાથ ધરાશે
ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર પદ માટે મતદાન થયું છે. હવે થોડા સમયમાં મેયર પદની મતગણતરી હાથ ધરાશે. સૌપ્રથમ મેયરની ચૂંટણી થશે, ત્યારબાદ મેયરની અધ્યક્ષતામાં સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયર માટે મતદાન થશે. ચંદીગઢમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે જીત મેળવી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઘણાં કાઉન્સિલરોના વોટ રદ કરવામાં આવ્યાં હતાં, ત્યાર બાદ કોર્પોરેશનમાં ભારે હોબાળો અને હંગામો થયો હતો.


