- ઓડિશામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાશે
- લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે સીટ વહેંચણી પર કરાઇ ચર્ચા
- ભાજપે નવીન પટનાયક સાથે BJP-BJD વચ્ચે ગઠબંધનની કરી વાત
ઓડિશામાં BJP અને BJD વચ્ચે ગઠબંધન લગભગ નિશ્ચિત છે. આ ગઠબંધન હેઠળ લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે સીટ વહેંચણી પર પણ ચર્ચા કરવામાં આવી છે. ટૂંક સમયમાં તેની જાહેરાત પણ કરવામાં આવશે.
લોકસભા ચૂંટણી માટે ગઠબંધનના ગણિત મુજબ NDA સાથી પક્ષો સાથે બેઠક વહેંચણી પર ચર્ચાને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે. આ અભિયાન હેઠળ ભાજપે ઓડિશામાં પણ તેની તૈયારીઓ લગભગ પૂર્ણ કરી લીધી છે. આ તૈયારીના ભાગરૂપે ભાજપે ઓડિશાના શાસક મુખ્યમંત્રી નવીન પટનાયકના બીજુ જનતા દળ સાથે ગઠબંધનની વાત કરી છે.
આગામી લોકસભા ચૂંટણી માટે ઓડિશામાં BJP-BJD વચ્ચે ગઠબંધન લગભગ નિશ્ચિત છે. તેની અંતિમ રૂપરેખા આજે એટલે કે બુધવારે મળનારી ભાજપની કોર કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ ભાજપ અને બીજદના મોટા નેતાઓ વચ્ચે ગઠબંધનને લઈને એક સપ્તાહ પહેલા જ વાતચીત થઈ ચૂકી છે.
ઓરિસ્સા, કર્ણાટક, હરિયાણા, પંજાબને લઇ કોર કમિટિની બેઠક યથાવત
આગામી લોકસભા ચૂંટણીને લઇ ભાજપની કોર કમિટિની બેઠક યથાવત છે. હાલમાં ઓરિસ્સાના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા, બીએલ સંતોષ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપની કોર કમિટિની બેઠકમાં ઓરિસ્સા, કર્ણાટક, હરિયાણા, પંજાબ સાથે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ બેઠક ગુરુવાર સુધી યથાવત રહેશે, કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક 8 માર્ચે યોજાવાની છે. 8મી માર્ચે બેઠક બાદ ભાજપની બીજી યાદી જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ જણાઇ રહી છે.
આ બેઠક વહેંચણીની ફોર્મ્યુલા પર ભાજપ અને બીજેડી વચ્ચે વાતચીત
સૂત્રોનું માનીએ તો ઓડિશામાં BJP-BJD વચ્ચે સીટની વહેંચણી અંગે પણ વાતચીત થઈ છે. મળતી માહિતી મુજબ, આ ગઠબંધન હેઠળ ભાજપને લોકસભાની ચૂંટણીમાં 13થી 14 બેઠકો મળી શકે છે અને BJDને લોકસભામાં 7થી 8 બેઠકો મળી શકે છે. BJP અને BJD વચ્ચેનું આ ગઠબંધન વિધાનસભા ચૂંટણીમાં પણ રહેશે, જ્યાં BJDને 95 થી 100 વિધાનસભા બેઠકો જીતવાની તક મળી શકે છે. જ્યારે ભાજપને 46થી 52 બેઠકો મળી શકે છે. આગામી એક-બે દિવસમાં તેની ઔપચારિક જાહેરાત પણ થઈ શકે છે.
ઓડિશામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાશે
મળતી માહિતી મુજબ ચૂંટણી પંચ માર્ચના બીજા સપ્તાહના અંતમાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. ઓડિશામાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આવી સ્થિતિમાં ભાજપ આ બંને ચૂંટણીમાં ઓડિશાના સત્તારૂઢ બીજેડી સાથે ગઠબંધન કરીને પોતાનું નસીબ અજમાવવા માંગે છે.


