અનેક જગ્યાઓના મોકાના દબાણમાં ભાજપના નેતાઓના કનેકશન નીકળ્યા
૧૯3 આવાસો ફાળવતા પહેલા કોઈની બાહેંધરી ન લીધી કે ક્યાંય ઘરનું ઘર નથી, હવે પાંચ અધિકારીની સમિતિ દ્વારા તપાસ કરાઈ રહી છે
રાજકોટમાં અનેક સ્થળોએ આવાસ યોજનાઓમાં ઘરના ઘર મામલે ભાજપના સંબંધીત લોકો ઉપર આક્ષેપ થઇ રહ્યા છે. પોતાના ઘર હોવા છતાં સગા વ્હાલાઓના નામે અને પરિવારોના નામે ભાજપના લાગતા વળગતાઓએ ૪૦ ટકા આવાસો પચાવી પાડયા હોવાની ફરિયાદો ઉઠી છે. આ જ રીતે સરકારી જમીનો પર પણ મોટા પાયે લાગતા વળગતાઓના દબાણના આક્ષેપો થયા છે.
દોઢસો વર્ષ પહેલાના અને અટલ સરોવર કરતા અનેકગણા મોટા ઐતહાસિક લાલપરી-રાંદરડા તળાવનો વિકાસ દાયકાઓથી અટકેલો છે. આ વિકાસ માટે તળાવ તથા તેના કાંઠે આવેલ લોકપ્રિય પ્રાણી સંગ્રહાલય અને તેની બાજુમાં બની રહેલા ગીર જેવા લાયન સફારી પાર્ક જવાના રસ્તા ઉપર મનપાની જમીન ઉપર સેંકડો ગેરકાયદે મકાનો ખડકાયેલા છે જેમાં હાલ ભાજપના બે કોર્પોરેટરોના પતિ મનસુખ જાદવ અને કવા ગોલતરના પરિવારોના અનધિકૃત મકાનો વર્ષોથી છે અને સંભવતઃ આ રાજકીય દબાણને પગલે દબાણો આજ સુધી હટાવાયા નથી અને તે કારણે આ સ્થળનો વિકાસ ટલ્લે ચડયો છે.જે 193 મકાનોને ખસેડવા મનપાએ ગોઠવણ કરીને દરેકને આવાસ ફાળવી પણ દેવાયા તેમાં હવે તપાસ કરતા 40 ટકાથી વધુ લાભાર્થીઓ અન્યત્ર ઘરનું ઘર ધરાવે છે.
તપાસ કરતા ભાજપના નેતાઓની લાભ ખાટવાની લાલચની સાથે તંત્રની આવાસ ફાળવણીમાં ગંભીર ક્ષતિઓ પણ પ્રકાસમાં આવી છે. મનપાના આવાસ વિભાગે સાગરનગર સહિત વિસ્તારમાં રસ્તા પર નડતા 193 બાંધકામોને દૂર કરીને રૂ।. 2- કરોડના ખર્ચે વિકાસનો માર્ગ મોકળો કરવા ઉતાવળ કરીને લાભાર્થીઓનું લીસ્ટ બનાવ્યું ત્યારે તમામ પાસેથી તેઓ ઈ.સ. 2010 પહેલાથી અહીં મકાન ધરાવે છે તેવા પુરાવા જ માંગવામાં આવ્યા હતા. અમારે અન્યત્ર રહેવા કોઈ આશરો નથી તેવું લખાણ લેવાયું નથી.
ક્યા નંબરનું આવાસ કોને મળે તેનો ડ્રો પણ યોજાઈ ગયા પછી હવે પાંચ અધિકારીઓની સમિતિએ 193 લાભાર્થી આવાસ મેળવવા પાત્રતા ધરાવે છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે. આ તપાસ એટલે યાદીમાં જેમના નામ છે તે નામની શહેરમાં મિલ્કત આવેલી છે કે કેમ તે હાઉસટેક્સના રજીસ્ટર સાથે સરખાવાય છે. આ મૂજબ આશરે 40 ટકા નામો આવા મળ્યા છે.
ખરેખર તો તપાસ માટે એક એક લાભાર્થી પાસે તેઓ અન્યત્ર ઘર ધરાવતા નથી તેવું કાનુની સોગંદનામુ,લખાણ લઈ, પુછપરછ કરી, અન્ય રેકોર્ડ તપાસી, નિવેદનો નોંધીને કરવી જોઈએ પરંતુ, તેમ થતું નથી તેથી તપાસના અંતે પણ કેટલાક ઘરવાળા આવાસના લાભાર્થી બની શકવા સંભવ છે.
મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું કે જેમને આવાસ ફાળવાયા છે તેમાં જેમને ઘરનુ ઘર હશે તેમનું આવાસ રદ કરી દેવાશે. આ સામે લાભાર્થીઓ કહે છે અમને આવાસ યોજના તરીકે આવાસ નથી મળતું પણ અમે દાયકાઓ જુનો જમીનનો કબજો સ્વેચ્છાએ છોડીએ તે માટે આવાસ આપે છે તેવું સમજાવાયું હતું. આમ, આ મુદ્દે વિવાદના એંધાણ છે.


