- ઈન્દોર -2 બેઠકના ચૂંટણી કાર્યાયલના ઉદ્ઘાટનમાં આવ્યા રેલવે મંત્રી
- શહેરના સ્વાદની સાથે હવે રેલવે પ્રોજેક્ટ્સ બનશે નવી ઓળખ
- રાજ્યનું સૌથી મોટું રેલ્વે જંકશન ઇન્દોરમાં બનાવવાની યોજના
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઈન્દોરની મુલાકાતે છે ત્યારે પોતાની મુલાકાત દરમિયાન તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વખતે ફરી ભાજપ સરકાર બનાવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ઈન્દોરના પોહાં અને જલેબીની વાત જ નિરાળી છે. અહીનો અનોખો સ્વાદ શહેરની ઓળખ છે, પરંતુ હવે શહેરની ઓળખ રેલવે પ્રોજેક્ટ્સને કારણે પણ બનશે. રાજ્યનું સૌથી મોટું રેલ્વે જંકશન ઇન્દોરમાં બનાવવાની યોજના છે. અશ્વિની વૈષ્ણવ શુક્રવારે વિધાનસભા ક્ષેત્ર નંબર 2ના મુખ્ય ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા ઈન્દોર આવ્યા હતા.
ભાજપના 20 વર્ષના કામથી લોકોમાં વિશ્વાસ
રેલવે મંત્રી અને ભાજપના નેતા અશ્વિની વૈષ્ણવે ઈન્દોરની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, “રાજ્યના દરેક વિધાનસભા મતવિસ્તારમાંથી એક જ સમાચાર આવી રહ્યા છે કે લોકોને ભાજપના 20 વર્ષના કામમાં એટલો વિશ્વાસ છે કે અહીં ફરી એકવાર ભાજપની સરકાર બનશે…”
રેલવે પ્રોજેક્ટ્સ માટે ખર્ચ કરાશે કરોડો
તેમણે કહ્યું કે ઈન્દોરમાં 6 દિશામાંથી રેલવે લાઈનો જોડવામાં આવનાર છે. ઈન્દોર દેવાસ ઉજ્જૈન લાઈન ડબલ થઈ રહી છે. 780 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. રતલામ, ઇન્દોર મહુ ખંડવા અકોલાની લાઇન પર છ હજાર કરોડ રૂપિયાની યોજના છે. અમારી સરકાર ઈન્દોર મનમાડનું સપનું સાકાર કરશે. ઈન્દોરના લક્ષ્મીબાઈ નગર રેલ્વે સ્ટેશનને પણ આગામી 50 વર્ષ અનુસાર તૈયાર કરવામાં આવી રહ્યું છે.
પીએમ મોદીએ વિકસિત ભારતનો પાયો નાખ્યો
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતનો પાયો નાખ્યો છે. જે પણ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે તેમાં ભવિષ્યની શક્યતાઓને ધ્યાનમાં રાખવામાં આવી રહી છે. વિકસિત ભારતનું સપનું આગામી વર્ષોમાં સાકાર થશે.


