ભાજપ સરકારે સૌરાષ્ટ્રવાસીઓને મૂર્ખ બનાવ્યા : નકલી પ્લેનો પર ચલણી નોટો ઉડાળીને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
૧૪૦૦ કરોડના પ્રજાના ટેક્સના પૈસાનુ આંધણનુ હીરાસર એરપોર્ટ પર તાકીદે ઈન્ટરનેશનલ ફ્લાઈટો ચાલુ કરાવવા કોંગ્રેસની માંગ
તાજેતરમાં રાજકોટમાં આવેલા હિરાસર એરપોર્ટ પર ચોમાસાની શરૂઆતમાં જ કેનોપી તૂટી પડવાની ઘટના બની હતી અને ત્યારબાદ ફરી એક વાર હિરાસર એરપોર્ટ વિવાદમાં આવ્યું છે. હિરાસર એરપોર્ટને પર તાકીદે ઈન્ટરનેશનલ ફ્લાઈટો ચાલુ કરાવવા કોંગ્રેસે આશ્ચર્યજનક કાર્યક્રમ યોજ્યો હતો અને રમકડાંના પ્લેન પર ચલણી નોટો ઉડાવીને વિરોધ કર્યો છે.
ગઈકાલે સૌ સૌરાષ્ટ્રવાસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા કે હવે હીરાસર એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાન નહિ ભરે ! વિદેશી ફ્લાઈટો ઉડાન ભરે એ પહેલા લોકોની આશાઓ ક્રેશ તુરંત જ થઈ ગઈ કારણ કે નવું ટર્મિનલ બિલ્ડીંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે નાનું પડે છે આથી ફરી નવું ટર્મિનલ બનાવવા માટે દરખાસ્ત મુકવામાં આવી છે. તાજેતરમાં મળેલી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની બેઠકમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બની રહેલું મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરની સુવિધાઓ આપવામાં ટૂંકું પડે છે. ઇન્ટરનેશનલ એરપોર્ટના માપદંડો માટે કસ્ટમ, ઇમિગ્રેશન, એરલાઇન્સની ઓફીસ તેમજ પેસેન્જરોની સુવિધા માટે જરૂરી કામગીરી આ ટર્મિનલ પર સમાવી શકાશે નહીં આથી હાલના તબક્કામાં ૧૫ ઓગસ્ટ સુધી એરપોર્ટનુ નવું ટર્મિનલ બિલ્ડીંગ તૈયાર થશે તેમાં માત્ર ડોમેસ્ટિક ઓપરેશન જ ચાલુ રાખવામાં આવશે.
લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રવાસીઓને રીઝવવા અધૂરા પ્રોજેક્ટમા વડાપ્રધાન મોદીએ ઉતાવળે ઉદ્ઘાટન તો કરી દીધુ પણ હાલની પરિસ્થિતિ જોતા સૌરાષ્ટ્રવાસીઓને મામા જ બનાવ્યા તેવું ચિત્ર ઉપજ્યુ છે. પ્રજાના ટેક્સના પૈસે ઊભુ કરેલ ૧૪૦૦ કરોડની રકમનું એરપોર્ટના નામે આંધણ કર્યા બાદ ઓથોરિટીને ખબર પડી કે નવા ટર્મિનલ બિલ્ડિંગમા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના માપદંડો જ નથી બોલો ! થોડા મહિનાઓ પહેલા જ ગુજરાતના જગવિખ્યાત વ્યક્તિએ આ એરપોર્ટ પર પેસેન્જરની પ્રાથમિક સુવિધાઓના અભાવની વીડિયો દ્વારા પોલ ખોલી હતી અને થોડા દિવસો પહેલા જ સામાન્ય વરસાદમા જ એરપોર્ટ ટર્મિનલનુ ડોમ ધરાશાયી થયુ હતુ એટલે ક્યાંકને ક્યાંક રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને ભાજપ સરકારે ગેરમાર્ગે દોરી મોટી ખોટી જાહેરાતોના નામે ઉદ્ઘાટનોથી પ્રજાને ભોળવીને ચૂંટણીમાં મત ખટખટાવી ગયા તે સ્પષ્ટ થયુ છે. પ્રાથમિક સુવિધાઓનો અભાવ, વારંવાર થતા વિવાદો અને પ્રોજેક્ટના કામોમા થયેલ ભ્રષ્ટાચારના કારણે હજુ સુધી રાજકોટ એરપોર્ટ પરથી કોઈ એરલાઇન્સ દ્વારા ઇન્ટરનેશનલ ઓપરેશન શરૂ કરવાની પણ તૈયારીઓ દર્શાવી નથી.
કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યુ હતુ કે જો કરોડોના ખર્ચે ડોમેસ્ટિક જ એરપોર્ટ રાજકોટથી ૩૬ કિમી દૂર બનાવવાનો પ્રોજેક્ટ હતો તો રાજકોટ શહેરમા રહેલ જૂના એરપોર્ટમા શુ વાંધો હતો ? એક તરફ દરરોજ હજારો પેસેન્જરોને હીરાસર એરપોર્ટ ખુબ દૂર હોવાથી હેરાનગત થવુ પડે છે જેથી મસ્ત મોટા ટેક્સીઓને ભાડાઓ ચૂકવવા પડે અને સમય પણ વેડફાય છે. હીરાસર એરપોર્ટમા તો “નામ બડે દર્શન ખોટે”જેવો હાલ સર્જાયો છે.લોકસભા ચૂંટણી પહેલા લોકોને ગેરમાર્ગે દોરી ઉતાવળે ઉદ્ઘાટનો કરી દીધા પરંતુ વડાપ્રધાન ડ્રીમ પ્રોજેક્ટમા જ પેસેન્જરોને પ્રાથમિક સુવિધાઓ ના મળતી ના હોય,ટર્મિનલ ડોમના હિસ્સાઓ ધરાશાયી થતા હોય,ખુબ ગંદકી હોય,પાર્કિંગના નામે લૂંટ ચલાવવી,રનવે પર પશુ-પક્ષી-પ્રાણીઓ ચડી આવવા જેવા કિસ્સાઓ એ ભાજપ સરકારે સૌરાષ્ટ્રવાસીઓની મશ્કરી કરી સમાન છે.હીરાસર ઈન્ટરનેશન એરપોર્ટના ઉદઘાટન એક વર્ષ બાદ એક ફ્લાઇટ વિદેશ માટે હજુ ઉડાન ભર્યું નથી અને હજુ આવનારા સમયમા ઊડશે પણ નહીં કારણ કે ભાજપ સરકાર માત્ર ખોટીમોટી જાહેરાતો કરવામા માહિર છે તેવા પ્રહારો કર્યા હતા. હીરાસર એરપોર્ટ કરતા તો રાજકોટના જૂના એરપોર્ટ અનેક દરરજે સારુ હતુ પણ ભાજપ સરકારે બિલ્ડરોને પડતી મુશ્કેલીઓ દુર કરવા ગરીબ ખેડૂતોની જમીન હડપવાનુ શરૂ કરી નવુ ખોટુ દિંડક જેવુ હીરાસર એરપોર્ટ ઉભુ કર્યૂ છે. જૂના એરપોર્ટની અબજો રૂપિયા કિમંતની જમીન પર ભાજપ સરકારની અને તેના મળતિયા જમીન માફિયાઓની નિયત ખરાબ હોવાને કારણે ઉતાવળે એરપોર્ટ સ્થળાંતર કર્યાનો ગંભીર આક્ષેપો કોંગ્રેસે કર્યા હતા.તેઓએ વધુમા જણાવ્યુ હતુ કે રાજકોટ એ સૌરાષ્ટ્રનુ પાટનગર છે ત્યારે વેપારઉદ્યોગ,કાર્ગો સુવિધાઓ,વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ, પ્રવાસન પ્રોત્સાહન,તબીબી ક્ષેત્ર જેવી બાબતોમા ઈન્ટરનેશનલ ફ્લાઇટોનુ ઉડાન એ વિકાસ વેગવંતો કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે ત્યારે આ તમામ બાબતોએ સૌરાષ્ટ્રવાસીઓએ વિદેશ જવા માટે અમદાવાદ,મુંબઈ અને દિલ્લી સુધી લાંબુ થવુ પડે તે દુઃખદ છે. આટલા કરોડોના ખર્ચ બાદ જો લોકોને ૧% ફાયદો ના થતો હોય તો સરકારે ડૂબી મરવુ જોઈએ તેવા પ્રહારો કોંગ્રેસના આગેવાનોએ કર્યા હતા અને તાકીદે કેન્દ્રની અને રાજ્યની ભાજપ સરકાર આ અંગે ગંભીરતા દાખવીને વિદેશી ફ્લાઇટોનુ ઉડાન હીરાસર એરપોર્ટ પરરી શરૂ કરાવવા માંગ કરી હતી.
ઉપરોક્ત બાબતોને લઇ આજે કોંગ્રેસે બહુમાળી ચોક ખાતે રમકડાના પ્લેનો પર નકલી નોટોનો વરસાદ કરી ભાજપ સરકારનો અનોખો રીતે વિરોધ કર્યો હતો કે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના આંધણ શા માટે ! અનેકવિધ સ્લોગનના પ્લે કાર્ડ પર ‘રાજકોટ એરપોર્ટ માત્ર હવા હવાઈ’ સૌરાષ્ટ્ર લોકોને મામા બનાવાનું બંધ કરો” જેવા સૂત્રો સાથે એરપોર્ટની નરવી વાસ્તવિકતાઓ રજુ કરી જોરચોરથી નારેબાજી કરીને હીરાસર એરપોર્ટના ફોટો પર “સિંગમ” ચોંટાડીને ભાજપ સરકાર તાકીદે એરપોર્ટ સુવ્યવસ્થિત શરૂ કરવા માંગ કરી હતી.