અમરેલી-મહેસાણામાં મહિલા ઉમેદવારની અટકળો : કુલ ૨૬માંથી પાંચ મહિલા ઉમેદવારની પસંદગી થવાની શકયતા
ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ બાકી જાહેર કરવાની બેઠકમાં મહિલા ઉમેદવારની પસંદગી માટે કવાયત થઇ રહી છે. અમરેલી બેઠક પરથી કોઇ મહિલા ઉમેદવારને પસંદ કરવામા આવે તેવી શકયતા છે. આ જ રીતે મહેસાણાની બેઠક પણ મહિલાને મળી શકે છે. અત્યાર સુધીમાં ભાજપે રંજનબેન ભટ્ટ વડોદરા, પૂનમબેન માડમ જામનગર અને નિમુબેન બાંભણિયાની ભાવનગર બેઠક પર પસંદગી કરી છે. હવે વધુ બે થી ત્રણ બેઠક પર મહિલા પસંદ કરવામાં આવે તો ગુજરાતમાં ભાજપના પાંચ થી વધુ મહિલા ઉમેદવાર થઇ શકશે.
ગુજરાતમાં ભાજપે અત્યાર સુધીમાં ૨૨ બેઠકો પર ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. હજુ ચારેક બેઠકો પર કોને ટીકીટ આપવી તે અંગે દિલ્હીમાં મંથન ચાલી રહ્યું છે. સૂત્રોના મતે બાકીની ચાર બેઠકો પૈકી બે બેઠકો પર ભાજપ મહિલા ઉમેદવારોને ટિકિટ આપી શકે છે. તેમાંય અમરેલી અને મહેસાણા બેઠક પર મહિલા ઉમેદવારની પસંદગી થઇ શકે છે.
મહેસાણામાં કડવા પાટીદાર ઉમેદવારની પસંદગી કરાશે ત્યારે આ બેઠક પર મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષા પટેલનું નામ ચર્ચામાં છે જયારે અમરેલીમાં લેઉવા પટેલને ટીકીટ આપવાનું નક્કી છે ત્યારે ભાવનાબેન ગોંડલિયાને ઉમેદવાર બનાવાય તેવી અટકળોએ જોર પકડયુ છે. એવી ચર્ચા છે કે અમરેલીમાં પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉઘાડ, ભરત કાનાબાર, નાયબ દંડક કૌશિક વેકરીયા, મુકેશ સંઘાણી મુખ્ય દાવેદાર છે. જૂનાગઢમાં ગીતાબેન માલમ, કિરીટ પટેલના નામો છે. વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને રીપીટ કરે તેવી સંભાવના ઓછી છે. સુરેન્દ્રનગરમાં વર્તમાન સાંસદ મહેન્દ્ર મુંજપરાની સાથે પ્રકાશ વરમોરાનું નામ ચર્ચામાં છે. મહેસાણામાં સાંસદ શારદાબેન પટેલના પુત્ર આનંદ પટેલ, ભાજપના દિગ્ગજ નેતા એ.કે.પટેલના પુત્ર પણ ટીકીટની લાઇનમાં છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ભાજપે ભાવનગરમાં નિમુબેન બાંભણિયા, જામનગરમાં પૂનમ માડમ અને બનાસકાંઠામાં રેખા ચૌધરીને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. ભાજપ સુરેન્દ્રનગરમાં કોળી અથવા તો કારડીયા રાજપૂતને ઉમેદવાર બનાવી શકે છે. આમ ભાજપ કુલ મળીને પાંચેક મહિલા ઉમેદવારને લોકસભાની ચૂંટણીમાં ટીકીટ આપે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.


