રાષ્ટ્રીય હોમિયોપેથી આયોગ દ્વારા હાથ ધરાયેલી ચકાસણીમાં હોસ્પિટલનો અભાવ, સ્ટુડન્ટની ઓછી હાજરી, નકલીફ સ્ટાફ સહિતની બાબતો સામે આવ્યા બાદ પુરાવા રજૂ ન કરી શકતા આયોગે લીધો નિર્ણય : 30 દિવસમાં કોલેજ જવાબ રજૂ કરશે
રાજકોટના જામનગર રોડ પર ભાજપના નેતાની આવેલી બી એ ડાંગર કોલેજમાં ગત એપ્રિલ માસમાં અનેક ફરિયાદો બાદ રાષ્ટ્રીય હોમિયોપેથી આયોગની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને આ ચકાસણી દરમિયાન ગંભીર બેદરકારીઓ સામે આવતા આયોગ દ્વારા ગંભીર પગલાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તે પૂર્વે કોલેજના ટ્રસ્ટીઓને ફરી એક વખત મોકો આપી દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવા કહ્યું હતું. પરંતુ કોલેજ દ્વારા કોઈ પુરાવાઓ રજૂ નહીં કરી શકાતા આજરોજ રાષ્ટ્રીય હોમિયોપેથી આયોગ દ્વારા ડાંગર કોલેજની બીએચએમએસની માન્યતા રદ કરવામાં આવી છે.રાષ્ટ્રીય હોમિયોપેથી આયોગ દ્વારા હાથ ધરાયેલી ચકાસણીમાં હોસ્પિટલનો અભાવ, સ્ટુડન્ટની ઓછી હાજરી, નકલીફ સ્ટાફ સહિતની બાબતો સામે આવ્યા બાદ પુરાવા રજૂ ન કરી શકતા આયોગે લીધો નિર્ણય : 30 દિવસમાં કોલેજ જવાબ રજૂ કરશેડાંગર કોલેજના ટ્રસ્ટી અગાઉ નકલી ડીગ્રી કૌભાંડમાં ઝડપાઈ ચૂકેલ છેહાજરી પૂરવાના પણ પૈસા લેવાતા હોવાની ચર્ચા
રાજકોટના જામનગર રોડ પર આવેલી બી એ ડાંગર કોલેજ દ્વારા બીએચએમએસ અને નર્સિંગ કોર્સ ચલાવવામાં આવતો હતો. પરંતુ આ બંને કોર્સમાં કોલેજ દ્વારા ગંભીર બેદરકારીઓ અને નિયમ વિરુદ્ધ ગેરકાયદેસર વહીવટ ચાલતો હોવાની ફરિયાદો મળતા એપ્રિલ માસમાં રાષ્ટ્રીય હોમિયોપેથી આયોગની ટીમ દ્વારા ડાંગર કોલેજમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી આ ચકાસણી દરમિયાન સૌપ્રથમ તો ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ, તેની હાજરી, પગાર સહિતના કોઈ પુરાવાઓ મળ્યા ન હતા જેથી ચકાસણી સમયે હાજર હતો તે સ્ટાફ નકલી હોવાનું સ્પષ્ટ થયું હતું.
મેડિકલ કોલેજમાં હોસ્પિટલ ચલાવવી ફરજિયાત છે પરંતુ આ કોલેજમાં હોસ્પિટલને લગતી કોઈ સુવિધા ઉપલબ્ધ ન હતી. કેસ સીટ પર સારવાર કરતા ડોક્ટરો દ્વારા સહી કરવામાં આવતી નહોતી. ઓપરેશન થિયેટર ઉપલબ્ધ હતું પરંતુ તેમાં શસ્ત્રક્રિયાના કોઈ રેકોર્ડ્સ ન હતા. આ ઉપરાંત યોગા-ફિઝિયોથેરાપી રૂમ ઉપલબ્ધ છે પરંતુ કોઈ સાધનો મળ્યા ન હતા. આવી અસંખ્ય બેદરકારીઓ આયોગને ધ્યાને આવી હતી. આથી ચેકિંગ કવર દ્વારા તમામ રિપોર્ટ તૈયાર કરી આ યોગને સુપ્રત કરવામાં આવ્યો હતો અને તેમાં દર્શાવાયું હતું કે મોટા ભાગની બાબતો માત્ર કાગળ પર દર્શાવવામાં આવી છે આયોગ દ્વારા કોઈ આકરૂ પગલું લેવામાં આવે તે પૂર્વે ફરી વખત કોલેજના ટ્રસ્ટીઓને દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવા મોકો આપ્યો હતો. પરંતુ આ પુરાવાઓ રજૂ ન કરી શકતા. આજરોજ આયોગે બી એ ડાંગર કોલેજની બીએચએમએસની માન્યતા રદ કરતો હુકમ કર્યો છે. તેની સામે કોલેજને 30 દિવસમાં જવાબ રજૂ કરવા પણ સૂચવાયું છે આથી કોલેજ તેનો જવાબ રજૂ કરશે.
ડાંગર કોલેજના ટ્રસ્ટી અગાઉ નકલી ડીગ્રી કૌભાંડમાં ઝડપાઈ ચૂકેલ છે
જામનગર રોડ પર આવેલી ડાંગર કોલેજની બીએએમએસની માન્યતા આયોગ દ્વારા રદ કરવામાં આવી છે. ત્યારે જાણવા મળ્યા મુજબ આ કોલેજ એક ભાજપના નેતાની છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ભાજપ નેતા અગાઉ નકલી ડીગ્રી કોભાંડમાં ઝડપાઈ જતા બે થી ત્રણ માસ જેલની હવા પણ ખાઈ આવી ચૂકેલ છે
હાજરી પૂરવાના પણ પૈસા લેવાતા હોવાની ચર્ચા
જામનગર રોડ પર આવેલી ડાંગર કોલેજમાં આયોગ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં અસંખ્ય ક્ષતિઓ સામે આવી હતી એટલું જ નહીં તપાસ સમયે ઊભો કરવામાં આવેલો સ્ટાફ પણ નકલી હોવાનું સ્પષ્ટ થયું હતું ત્યારે આયોગને કોલેજમાં એડમિશન લેનાર સ્ટુડન્ટ રેગ્યુલર હાજરી આપતાં ન હતા. જેથી તેઓની હાજરી પૂરવા માટે કોલેજ દ્વારા અલગથી નાણા લેવામાં આવતા હોવાની પણ ફરિયાદ મળી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
રદ થયેલી માન્યતા યથાવત રહે તો વિદ્યાર્થીઓની વ્યવસ્થા યુનિવર્સિટીને કરવી પડશે
જામનગર રોડ પર આવેલી બી એ ડાંગર કોલેજની બીએચએમએસની માન્યતા આયોગ દ્વારા રદ કરવામાં આવી છે. ત્યારે હવે કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા આગામી સમયમાં આયોગ સમક્ષ જવાબ રજૂ કરાશે અથવા તો હાઇકોર્ટમાંથી આ હુકમ સામે સ્ટે લાવવામાં આવશે. જેથી બાળકોનું ભવિષ્ય નહીં બગડે છતાં પણ જો હાઇકોર્ટ માંથી તે ન મળે અને રદ થયેલી માન્યતા યથાવત રહે તો તેમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની અન્ય જગ્યા પરની વ્યવસ્થા રાષ્ટ્રીય આયોગ અને યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે.