- ભાજપની ચૂંટણીઢંઢેરા સમિતિની પહેલી બેઠક મળી
- ભાજપ સંભવતઃ આ મહિનાના બીજા અઠવાડિયે ચૂંટણીઢંઢેરો જાહેર કરશે
- રાજકીય પક્ષોમાં ચૂંટણીઢંઢેરો તૈયાર કરવા માટેની કવાયત તેજ બની ગઇ
લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદથી જ તમામ રાજકીય પક્ષોમાં ચૂંટણીઢંઢેરો તૈયાર કરવા માટેની કવાયત તેજ બની ગઇ છે. ભાજપે 30 માર્ચે ચૂંટણીઢંઢેરા સમિતિની જાહેરાત કરી હતી. ભાજપના વરિષ્ઠ નેતા અને સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ તેના અધ્યક્ષ છે. સોમવારે આ સમિતિની પહેલી બેઠક મળી, જેમાં ‘વિકસિત ભારત’ એજન્ડાની રૂપરેખા કેન્દ્રસ્થાને રહી. બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન અને સમિતિના સહ-સંયોજક પીયૂષ ગોયલે પત્રકારોને કહ્યું કે ભાજપને ચૂંટણીઢંઢેરા માટે મિસ્ડ કૉલ સેવાના માધ્યમથી 3.75 લાખથી વધુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘નમો’ એપ ઉપર 1.70 લાખથી વધુ સૂચનો મળ્યા છે. બેઠકમાં 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટેની રૂપરેખા પર ચર્ચા કરાઇ. અમારા ચૂંટણીઢંઢેરા માટે લોકોની સહભાગિતા વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં તેમનો વિશ્વાસ અને તેમની પાસેથી લોકોની અપેક્ષાઓ દર્શાવે છે.
ગોયલે ઉમેર્યું હતું કે લોકો પાસેથી મળેલા સૂચનોને જુદીજુદી કેટેગરીમાં વહેંચવામાં આવશે. દેશના 3,500 વિધાનસભા ક્ષેત્રોમાં 916 વીડિયો વેન પણ ચલાવાઇ, જે લોકો સુધી પહોંચી અને ભાજપના ચૂંટણીઢંઢેરા માટે તેમના વિચાર માગ્યા હતા. નોંધનીય છે કે 2019ની લોકસભા ચૂંટણી વખતે ભાજપે 20 સભ્યની ચૂંટણીઢંઢેરા સમિતિ બનાવી હતી, જેનું સુકાન પણ રાજનાથસિંહને જ સોંપાયું હતું. ભાજપ સંભવતઃ ચાલુ મહિનાના બીજા અઠવાડિયે ચૂંટણીઢંઢેરો જાહેર કરી શકે છે. નોંધનીય છે કે મોદી સરકારના બીજા કાર્યકાળ માટે ભાજપે રામમંદિર નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદી, ખેડૂતોને 6 હજાર રૂપિયા સહાય, નાના ખેડૂતો-દુકાનદારોને પેન્શન અને લોકસભા તથા વિધાનસભા ચૂંટણી એકસાથે કરાવવા જેવા વચનો આપ્યા હતા.


