- બીજેપીએ આતિશીને માનહાનિની નોટિસ ફટકારી
- આતિશીએ બીજેપી અંગે પ્રેસ કોન્ફરન્સમાં કર્યા હતા દાવા
- બીજેપી મીડિયા વિભાગ દ્વારા ફટકારવામાં આવી નોટિસ
દિલ્હી સરકારમાં મંત્રી આતિશીને બીજેપીએ લીગલ નોટિસ ફટકારી છે. તેમણે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને દાવો કર્યો હતો કે મને બીજેપી જોઇન કરવા માટે સંપર્ક કરાયો હતો અને કહેવામાં આવ્યું હતું કે બીજેપીમાં જોઇન થઇ જાઉ અને પોતાનું રાજકીય કરિયર બચાવી લઉ. જો મે બીજેપી જોઇન ન કર્યુ તો આવનારા એક મહિનામાં મને અરેસ્ટ કરી લેવામાં આવશે.
બીજેપીએ શું કહ્યું નોટિસમાં ?
હવે આ નિવેદનને લઈને દિલ્હી ભાજપના મીડિયા વિભાગ દ્વારા આતિશીને માનહાનિની નોટિસ ફટકારી છે. ભાજપે કહ્યું કે તેમણે પાર્ટી કાર્યકર્તાઓના સન્માનને ઠેસ પહોંચાડી છે. પાર્ટીએ નોટિસમાં કહ્યું છે કે જો તમારી પાસે કોઈ પુરાવા છે કે તમારો સંપર્ક કોણે કર્યો ? તે સબમિટ કરો. બીજેપી દ્વારા નોટિસમાં એમ પણ પૂછવામાં આવ્યું કે, તમારો સંપર્ક ફોન દ્વારા કે રૂબરૂ કરવામાં આવ્યો ? અને જો કર્યો હોય સંપર્ક તો કોણે કર્યો તે પણ અમને કહો.
15 દિવસમાં માંગ્યો જવાબ
ભાજપના નેતા વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે આતિશીના આરોપો પાયાવિહોણા છે અને તેમાં કોઈ સત્ય નથી. તેમણે કહ્યું કે આતિશીને માફી માંગવા માટે સમય આપવામાં આવ્યો હતો પરંતુ તેણે માફી માંગી ન હતી. બીજેપી નેતાએ કહ્યું કે આતિશીને માનહાનિની નોટિસ મોકલવામાં આવી છે અને 15 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે.
પુરાવા આપે નહીં તો કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર રહે- વિરેન્દ્ર સચદેવા
તેમનું કહેવું છે કે આતિશીએ ભાજપ પર લાગેલા આરોપોના પુરાવા આપવા જોઈએ, નહીં તો કાનૂની કાર્યવાહી માટે તૈયાર રહે. વીરેન્દ્ર સચદેવાએ કહ્યું છે કે આતિશીને પુરાવા આપવા માટે કાનૂની નોટિસ આપવામાં આવી છે. આ વખતે તેણીએ જવાબ આપવો પડશે, તે ભાગી શકશે નહીં.


