- રાજસ્થાનમાં આજે નક્કી થશે મુખ્યમંત્રી
- સાંજે 4 વાગે ધારાસભ્ય દળની મળશે બેઠક
- 11 વાગ્યા સુધીમાં ધારાસભ્યોને જયપુર પહોંચવાની સૂચના
3 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી લીધી. બે રાજ્યોમાં તો સીએમ પણ ડિક્લેર કરી દીધા. હવે આજ રાજસ્થાનનો વારો છે. આજ સાંજ સુધીમાં રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ બનશે તેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. કારણ કે સાંજે 4 વાગે ધારાસભ્ય દળની બેઠક મળશે. પરંતુ અહીં સવાલ એ થાય કે શું રાજસ્થાનમાં પણ છત્તીસગઢ અને એમપીને જેમ નવા ચહેરાને મુખ્યમંત્રી પદ આપશે , અને જો એવુ થાય તો કોણ હશે દાવેદાર ? આવો જાણીએ વિગતવાર
છત્તીસગઢ અને મધ્યપ્રદેશની જેમ ભારતીય જનતા પાર્ટી (BJP) રાજસ્થાનમાં પણ મુખ્યમંત્રીના નિર્ણયથી બધાને ચોંકાવી શકે છે. જો કે મધ્યપ્રદેશમાં ઓબીસી કેટેગરીમાંથી અને છત્તીસગઢમાં આદિવાસી કેટેગરીમાંથી મુખ્યમંત્રી બનાવ્યા બાદ રાજસ્થાનમાં જનરલ કેટેગરીના ધારાસભ્યને મુખ્યમંત્રી બનાવી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
આજે સાંજે મળશે બેઠક
મહત્વનું છે કે મંગળવારે સાંજે 4 વાગ્યે જયપુરમાં બીજેપી વિધાયક દળની બેઠક મળશે. તમામ ધારાસભ્યોને સવારે 11 વાગ્યા સુધીમાં પહોંચી જવા સૂચના આપવામાં આવી છે. રાજસ્થાનના નિરીક્ષક રક્ષા મંત્રી રાજનાથ સિંહ બપોરે 12 વાગે જયપુર એરપોર્ટ પહોંચશે. તેઓ એરફોર્સના વિશેષ વિમાન દ્વારા દિલ્હીથી જયપુર આવી રહ્યા છે. રાજનાથ સિંહ નિરીક્ષક તરીકે સીએમનો ચહેરો નક્કી કરવા આવી રહ્યા છે. રાજસ્થાનને બપોરે નવા સીએમ મળશે અને રાજનાથ સિંહ સાંજે 7 વાગે દિલ્હી પરત ફરશે.
વસુંધરા રાજેની કેટલી શક્યતા ?
મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહને તક ન આપ્યા બાદ રાજસ્થાનમાં વસુંધરા રાજેને સીએમ બનાવવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે રાજસ્થાનમાં સીએમનો ચહેરો માત્ર નવો જ નહીં પરંતુ ધારાસભ્યોમાંથી પસંદ કરવામાં આવી શકે છે. રાજસ્થાનમાં જનરલ કેટેગરીની સાથે મહિલા ધારાસભ્યને પણ તક મળી શકે છે અથવા એસસી કેટેગરીના ધારાસભ્યને પણ તક આપવામાં આવી શકે છે.
કોનું નામ રેસમાં ?
જો ધારાસભ્યને તક આપવામાં આવે તો આ ધારાસભ્યોના નામની સૌથી વધુ ચર્ચા થશે. જેમાં દિયા કુમારી, રાજ્યવર્ધન રાઠોડ, પુષ્પેન્દ્ર સિંહ રણૌત, જોગેશ્વર ગર્ગ અને અનિતા ભડેલ જેવા ધારાસભ્યોના નામ ચર્ચામાં છે. જો ધારાસભ્યો સિવાયના કોઇને તક આપવામાં આવે તો સીપી જોશી ગજેન્દ્ર શેખાવત પણ મુખ્યમંત્રીની રેસમાં સામેલ થઈ શકે છે.


