- ભાજપ સાંસદ સાથે છેતરપિંડી
- રાજ્યસભા સાંસદ રામ મોકરિયા સાથે ચીટિંગ
- સાયબર ગઠિયો 15 હજાર રૂપિયા સેરવી ગયો
ગુજરાતમાં હાલના દિવસોમાં સાયબર ફ્રોડની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થતો જોવાઈ રહ્યો છે. સામાન્ય જનતાતો ઠીક પરંતુ ખુદ સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓ અને સાંસદો પણ હવે સાયબર શાતિરોથી સુરક્ષિત નથી, એવું જોવાઈ રહ્યું છે. ભાજપના રાજ્યસભા સાંસદ રામ મોકરિયાની સાથે એક ગઠિયાએ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાની માહિતી પ્રમાણે રાજ્યસભા સાંસદ રામ મોકરિયા સાયબર ક્રાઈમનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. આ કેસની વિગતો પ્રમાણે એક ગઠિયાએ સાંસદ રામ મોકરિયાને ફોન કર્યો હતો અને પોતાના પિતાજીનું મૃત્યુ થયું હોવાથી સહાયની જરૂર હોવાનું કહીને રાજ્યસભા સાંસદ રામ મોકરિયાની પાસેથી પૈસાની માગણી કરી હતી. આ ગઠિયાએ સાંસદને પોતાની ઓળખ ભાજપના કાર્યકર તરીકે હોવાની આપી હતી અને પિતાના મોતનું ખોટું કારણ આગળ ધરીને પૈસાની માગણી કરી હતી.
આ બનાવની વધુ જાણકારી પ્રમાણે આ ગઠિયાની વાત સાંભળીને સાંસદ રામ મોકરિયાએ તેના પર ભરોસો કરી લીધો હતો અને ઓનલાઈન રીતે 15 હજાર રૂપિયાની રકમ સામે વાળાના ખાતામાં ટ્રાન્સફર કરી આપી હતી. આ રકમ ઓનલાઈન મોડથી ટ્રાન્સફર કરવામાં આવી હતી. જો કે આના પછી તપાસ કરાતા પૈસા લેનાર વ્યક્તિનું લોકેશન છત્તીસગઢમાં હોવાનું સામે આવ્યું હતું. ગઠિયાનું લોકેશન છત્તીસગઢનું હોવાનું સામે આવતા સાંસદ રામ મોકરિયાને પોતે છેતરાયા હોવાની જાણકારી થઈ હતી. જેના પછી આ મામલે પોલીસને સૂચના આપવામાં આવી હતી.
આ ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ સ્ટાફ તુરંત જ એક્શનમાં આવી ગયો હતો અને સાયબર ગઠિયાની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના પછી આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી, જો કે હજુ સુધી આ આરોપી મામલે કોઈ મહત્વની જાણકારી કે અપડેટ સામે આવી નથી. જેથી વધુ જાણકારી પોલીસ તપાસ થયા બાદ જ સામે આવી શકે તેમ છે. જો કે આ સમગ્ર ઘટનાક્રમમાં જે મહત્વની વાત જે છે એ એવી છે કે સાયબર છેતરપિંડીથી ખુદ સરકારી પક્ષના સાંસદો અને નેતાઓ જ જ્યાં સુરક્ષિત નથી ત્યાં સામાન્ય જનતા કેવી રીતે સુરક્ષિત અનુભવી શકશે એ એક મોટો સવાલ છે.


