મંગળવારે સાંજ સુધી ભાજપની ૧૧ બેઠકોના ઉમેદવારોનાં નામોનું એલાન
અમરેલી બેઠક પર સુરતના જનક બગદાણા તથા નીતિન ભજીયાવાલા, હેમાલી બોધાવાલાના નામ ચર્ચામાં
સુરત બેઠક પર મુકેશ દલાલ સહિતના નામો મજબૂત દાવેદારની યાદીમાં આવ્યા : સતત પલટાતા નામો
આગામી લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત માટે પ્રથમ યાદીમાં ૧૫ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આજે ભાજપના હાઇકમાન્ડ દ્વારા પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સમગ્ર દેશમાં લોકસભાના ઉમેદવારોના નામ નક્કી થઇ જશે. જેમાં ગુજરાતના બાકી રહેલા ૧૧ બેઠકના ઉમેદવારોના નામ પણ જાહેર થઇ જવાની શકયતા છે. ખાસ કરીને સુરત અને અમરેલી એક બીજા સાથે કનેકશન ધરાવે છે અને આ બેઠક પરથી મૂળ સુરતના પરંતુ વેપાર ઉદ્યોગમાં સમૃધ્ધ થયેલા કેટલાક નામો ચર્ચામાં આવ્યા છે. જેમાં અમરેલી બેઠક માટે મૂળ સુરતના જનક બગદાણા, નીતિન ભજીયાવાલા અને હેમાલી બોધાવાલાનો પણ મજબૂત દાવેદારોમાં સમાવેશ થયો છે. જયારે સુરત બેઠક પર મૂળ સુરતી મુકેશ દલાલ મજબૂત દાવેદાર છે. આ ઉપરાંત નવા નામોની પણ ચર્ચા ચાલુ છે. હાઇકમાન્ડ શું કરશે તે અંગે ચોક્કસ અટકળ થઇ શકે તેવુ નથી.
આજે રાત્રે મોડી રાત્રે દિલ્હીમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઇ રહી છે.આ બેઠકમાં ગુજરાતની ૧૧ બેઠકો સહિત કુલ ૧૫૦ બેઠકો પર ઉમેદવારોના નામોને લઇ મંથન થશે. જો કે મંગળવારે મોડી સાંજ સુધી ભાજપ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરે તેવી શકયતા જોવાઇ રહી છે. જેમાં ગુજરાતના ૧૧ બેઠકોના ઉમેદવારોના નામો પણ હોઇ શકે છે.
ભાજપ હાઇકમાન્ડે રાજકીય અનુમાનો ખોટા પાડવામાં માહિર છે. અત્યાર સુધી એવુ હતુ કે વર્તમાન સાંસદોના પત્તા કપાશે પણ પ્રથમ યાદીમાં ગુજરાતના મોટા ભાગના વર્તમાન સાંસદોને જ રીપીટ કરી હાઇકમાન્ડે રાજકીય પંડીતોને ખોટા ઠેરવ્યા હતાં. ગઇકાલે મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ પણ દિલ્હી પહોંચ્યા છે. હવે સોમવારે દિલ્હીમાં ભાજપ મુખ્યાલય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઇ રહી છે. આ બેઠક મોડી રાત સુધી ધમધમશે જયાં ૧૫૦ ઉમેદવારોના નામોને લઇને મહામંથન થશે.
સુત્રોના મતે, ગુજરાતમાં ૧પ બેઠકો પર ભાજપના ઉમેદવારો જાહેર થઇ ચુકયા છે. હજુ ૧૧ બેઠકોના ઉમેદવારોના નામની ઘોષણા બાકી છે. બીજી યાદીમાં ગુજરાતમાં નવોદિત ઉમેદવારોના નામો હોઇ શકે છે. સાથે સાથે બે-ત્રણ મહિલા ઉમેદવારો પણ હશે. ચાર-પાંચ વર્તમાન સાંસદોને પુન: ટીકીટ મળે તેવા એંધાણ છે. નોંધનીય છે કે પ્રથમ યાદીમાં એક જ મહિલાને ટીકીટ આપવામાં આવી હતી. બીજી યાદીમાં ઉમેદવારોના નામો સૌને ચોંકાવી શકે છે. વર્તમાન રાજકીય પરિસ્થિતિ ઉપરાંત સામાજીક-જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને ટીકીટ આપવામાં આવી શકે છે. મહેસાણા, અમદાવાદ પશ્ચિમ, વલસાડ, જૂનાગઢ, ભાવનગર બેઠક પર નવા નામો આવી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૨મી માર્ચે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદની વિદાય બાદ મંગળવારે મોડી સાંજે ઉમેદવારોના નામોની ઘોષણા થઇ શકે છે. હવે કોને સાંસદ બનવાની તક મળે છે તે અંગે રાજકીય અનુમાનો ચાલી રહ્યા છે.


