- 300 કરોડ કેશને લઇને ભાજપનો વિરોધ
- સંસદ પરિસરમાં રાહુલ ગાંધી પાસે માગ્યો જવાબ
- ધીરજ સાહૂના 9 સ્થળો પરથી કુલ 300 કરોડ મળ્યા છે રોકડા
ઝારખંડના કોંગ્રસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના 9 સ્થળો પર આવકવેરા વિભાગે રેડ પાડતા 300 કરોડથી પણ વધારે રોકડ મળી આવી છે. જેને લઇને ભાજપ દ્વારા કોંગ્રેસ પાસે જવાબ માગવા વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
જે.પી નડ્ડાના નેતૃત્વમાં કર્યો વિરોધ
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ઓડિશા આઈટી દરોડામાં કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ સાથે જોડાયેલા પરિસરમાંથી રૂ. 300 કરોડથી વધુ રોકડ મળી આવ્યા બાદ પાર્ટીના સાંસદો દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ વિરોધનું નેતૃત્વ કર્યુ હતું. કોંગ્રેસ પાર્ટી જવાબ દો અને રાહુલ ગાંધી જવાબ દોના નારા સાથે વિરોધ કર્યો હતો.
કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર એક સિક્કાની બે બાજુ- જે.પી નડ્ડા
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે સોમવારે કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યુ હતું કે કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર એક જ સિક્કાની બે બાજુ છે. ભાજપના અધ્યક્ષે સંસદ પરિસરમાં ગાંધી પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શનની આગેવાની કરી હતી. રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુ પાસેથી 300 કરોડની રોકડ જપ્ત કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ કોંગ્રેસની નીતિ છે. હવે કોંગ્રેસના ખાતામાંથી પૈસા ઉપાડવા જઈ રહ્યા છે.. સાંસદ ધીરજ સાહુના કાળા નાણાની ગણતરી હજી ચાલુ જ છે. ખબર નથી આ ગણતરી ક્યાં અટકશે.
રાહુલ ગાંધી જવાબ આપે- જે.પી. નડ્ડા
તેમણે જણાવ્યુ કે કોંગ્રેસ ભ્રષ્ટાચારમાં ડૂબેલી પાર્ટી છે. તેઓ હંમેશા ED અને IT પર આરોપ મૂકે છે. આજે ભાજપ રાહુલ ગાંધીને પૂછવા માંગે છે કે તેઓ આ અંગે શું કહે છે. સોનિયા ગાંધીએ હંમેશા કેન્દ્રીય એજન્સીઓ પર પ્રશ્નો ઉઠાવ્યા છે, આજે દરેક વ્યક્તિ આ અંગે જાણવા માંગે છે. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે અમે કોઈપણ ભ્રષ્ટાચારીને છોડીશું નહીં. કોંગ્રેસે જવાબ આપવો પડશે કે ગરીબોના પૈસા કેવી રીતે લૂંટ્યા.


