- બજેટ સત્રના અંતિમ દિવસ શનિવારે ભાજપે બંને ગૃહના પોતાના બધા સાંસદોને હાજર રહેવા કહ્યું છે
- શનિવારે અતિમહત્ત્વપૂર્ણ કાયદાકીય કાર્ય ચર્ચા અને પસાર કરવા માટે ગૃહમાં લવાશે
- કશું મોટું થવાની શક્યતા
બજેટ સત્રના અંતિમ દિવસ શનિવારે ભાજપે બંને ગૃહના પોતાના બધા સાંસદોને હાજર રહેવા કહ્યું છે. ભાજપે પોતાના બધા રાજ્યસભા લોકસભા સાંસદો માટે વ્હિપ જાહેર કર્યો છે. રાજ્યસભામાં ભાજપના મુખ્ય દંડક લક્ષ્મીકાંત વાજપેયીએ રાજ્યસભાના પાર્ટી સાંસદોને આવતીકાલે રાજ્યસભામાં હાજર રહેવા માટે ત્રણ લાઇનનો વ્હિપ આપ્યો છે. જ્યારે ભાજપે લોકસભા સાંસદોને પણ વ્હિપ જારી કરીને ગૃહમાં હાજર રહેવાનો નિર્દેશ કર્યો છે. આના પરિણામે સંસદમાં કશું મોટું થવાનું છે કે શું તેની અટકળોનું બજાર ગરમાયું છે.રાજ્યસભાના સાંસદો માટે જાહેર કરાયેલા વ્હિપમાં કહેવાયું છે કે ભાજપના બધા રાજ્યસભા સાંસદોને સૂચના આપવામાં આવે છે કે શનિવારે અતિમહત્ત્વપૂર્ણ કાયદાકીય કાર્ય ચર્ચા અને પસાર કરવા માટે ગૃહમાં લવાશે. તેથી ભાજપે પોતાના બધા રાજ્યસભા સભ્યોને કહ્યું છે કે તેઓ 10 ફેબ્રુઆરી 2024એ આખો દિવસ અનિવાર્ય રીતે ગૃહમાં હાજર રહીને સરકારના પક્ષનું સમર્થન કરે.
ચૂંટણી પહેલાં બજેટ સત્રનો અંતિમ દિવસ સંસદમાં સરકારનાં કામો ગણાવવાની ભાજપ પાસે અંતિમ તક છે.નાણામંત્રી નિર્મલા સીતારામને શુક્રવારે લોકસભાનાં અર્થવ્યવસ્થા પર શ્વેત પત્ર રજૂ કર્યું. જેમાં તેમણે જણાવ્યું કે 2004થી 2014 વચ્ચે યુપીએ સરકારના કાર્યકાળમાં દેશની અર્થવ્યવસ્થા ખરાબ હતી.
રામમંદિર આભાર પ્રસ્તાવ રજૂ થશે?
એવી અટકળો થઈ રહી છે કે કેન્દ્ર સરકાર શનિવારે બંને ગૃહમાં રામમંદિર પર ચર્ચા કરાવશે. હકીકતમાં, સંસદમાં સીધી રામમંદિર પર ચર્ચા ન થઈ શકે. તેને જોતાં સંસદનાં બંને ગૃહમાં આવતી કાલે રામમંદિર પર આભાર પ્રસ્તાવ રજૂ થશે. આ માટે થઈને ભાજપે પોતાના સાંસદોને વ્હિપ આપ્યો છે.


