- ચણા દાળને ક્રશ કરીને લોટ બજારમાં ફટકારી ખિસ્સા ભરવાનો ખેલ
- મધ્યાહન ભોજનમાં અપાતી દાળના પેકેટને તોડી રોકડી કરી લેવાય છે
- શહેરમાં કઠોળ અને રાઇસને લગતા 180થી પણ વધુ યુનિટ ધમધમી રહ્યા છે
અમદાવાદ જિલ્લાના બાવળાને રાઈસ મિલના હબ તરીકે ઓળખવામાં આવે છે. શહેરમાં કઠોળ અને રાઇસને લગતા 180થી પણ વધુ યુનિટ ધમધમી રહ્યા છે. જેમાંથી કેટલીક મિલો અને આટા ચક્કી દ્વારા સરકારી અનાજના કાળા બજાર કરવામાં આવી રહ્યા છે.
વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના હિંમતનગર, વલસાડ , સુરત તથા ખાસ કરીને મધ્યપ્રદેશ માંથી સરકારી અનાજ સિલપેક બાળકોના મધ્યાહન ભોજનમાં વપરાશ થતી ચણાદાળ ગુજરાતમાં અનાજના વેપારીઓ દ્વારા મોકલવામાં આવે છે. જ્યાંથી નક્કી કરેલા આટાચક્કી અને મિલોમાં મોકલવામાં આવે છે. માલ મંગાવનાર કિલો કિલોના નાના પકેટને તોડી તેના ઢગલા કરી મિલોમાં પોલિશ કરી તેને બારોબાર બજારનો માલ બનાવી બેરોકટોક વેચી રહ્યા છે. જ્યારે કેટલાક યુનિટમાં સરકારી ચણાદાળને ક્રશ કરી તેનો લોટ બનાવી બજારમાં વેચવામાં આવી રહ્યું છે. બાવળાના આદરોડા રોડ પર આવેલી કેટલીક મિલોને માત્ર સરકારી અનાજ માટે જ શરૂ કરવામાં આવ્યું હોય તેવું જણાઈ આવે છે. આવા એકમો બોર્ડ વગર ચલાવવામાં આવી રહયા છે. આવા યુનિટ આટાચક્કીના નામે બાળકોના મધ્યાહન ભોજનના અનાજ પર પણ તરાપ મારી બેરોકટોક આર્થિક લાભ મેળવી રહ્યા છે. જે તંત્રના સરકારી અધિકારીઓને ધ્યાને આવતું નથી અથવા તો તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે. આ અંગે આદરોડા રોડ પર આવેલી એક બોર્ડ વગરની મિલમાં વહીવટ કરતા પ્રકાશભાઈ સાથે વાત થતા તેમણે માલ ક્યાંથી આવેલો છે? અને તેનો કાયદેસર શું ઉપયોગ થઈ રહ્યો છે? તે અંગે પૂછતાં કોઈ જવાબ આપ્યો ન હતો. મુખ્ય વાત એ છે કે બાવળા શહેરમાં મામલતદાર કચેરી ખાતે પુરવઠા વિભાગ આવેલો છે. છતાં આવા ગોરખ ધંધા તેમના ધ્યાને આવતા નથી. ત્યારે ઉચ્ચકક્ષાએ તપાસ થાય તેમ સ્થાનિક જાગૃતજનો ઈચ્છી રહ્યા છે.


