- બ્લિન્કોવાએે 31 મિનિટ સુધી ટાઇબ્રેકરમાં 22-20થી વિજય મેળવ્યો
- વિમેન્સ સિંગલ્સમાં ઇગા સ્વિયાતેક, વિક્ટોરિયા અઝારેન્કોની આગેકૂચ, પેગુલાનો પરાજય
- બ્રિટનની સ્ટાર ખેલાડી એમી રાડૂકાનુને પણ પરાજયનો સામનો કરવો પડયો હતો
બિનક્રમાંકિત રશિયાના એન્ના બ્લિન્કોવાએ ગ્રાન્ડસ્લેમના ઇતિહાસની સિંગલ્સ મેચમાં લોંગેસ્ટ ટાઇબ્રેકરમાં વિશ્વની ત્રીજી ક્રમાંકિત રિબાકિનાને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં મેજર અપસેટ સર્જ્યો હતો. વિશ્વમાં 57મો ક્રમાંક ધરાવતી બ્લિન્કોવાએ બીજા રાઉન્ડનો પ્રથમ સેટ 6-4થી જીતી લીધો હતો. ગયા વર્ષની ફાઇનાલિસ્ટ રિબાકિનાએ બીજો સેટ જીતીને મુકાબલો રોમાંચક બનાવ્યો હતો. ત્રીજો સેટ 6-6ના સ્કોરથી સરભર થયો હતો જેમાં બ્લિન્કોવાએ 22-20થી વિજય મેળવ્યો હતો. આ
ટાઇબ્રેકર 31 મિનિટથી વધારે સમય સુધી ચાલ્યો હતો. આઇટીએફના અનુસાર આ મુકાબલાએ છેલ્લા લોંગેસ્ટ ટાઇબ્રેકરના કુલ 38ના સ્કોરને પાછળ રાખી દીધો હતો.
વિમેન્સ સિંગલ્સની અન્ય મેચોમાં વિશ્વની પ્રથમ ક્રમાંકિત ઇગા સ્વિયાતેકે સંઘર્ષ બાદ અમેરિકાની કોલિન્સને 6-4, 3-6, 6-4થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. પાંચમી ક્રમાંકિત જેસિકા પેગુલા અપસેટનો શિકાર બની હતી અને તેને બિનક્રમાંકિત બુરેલે 6-4, 6-2થી હરાવી હતી. બ્રિટનની સ્ટાર ખેલાડી એમી રાડૂકાનુને પણ પરાજયનો સામનો કરવો પડયો હતો. તેનો ચીનની વાઇએફ વાંગ સામે 6-4, 4-6, 6-4થી પરાજય થયો હતો. જેલેના ઓસ્ટાપેન્કોએ તામ્લોજાનોવિચને 6-0, 3-6, 6-4થી, વિક્ટોરિયા અઝારેન્કોએ ટાયુસનને 6-4, 3-6, 6-2થી હરાવીને પોતાનું અભિયાન આગળ
વધાર્યું હતું.


