- લારી ચલાવનારા માતા-પિતાના પુત્રને IAS ઓફિસર બનવું છે
- સંઘર્ષ ભરેલા વાતાવરણમાં પણ પુત્રએ સફળતા મેળવી: વિદ્યાર્થીના પિતા
- સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ મારફતે તૈયારીઓ શરૂ કરી દીધી
આજે ગુજરાત બોર્ડ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને પરિણામ જોઈ લીધુ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશે. જેના માટે 635 730 0971 પર બેઠક ક્રમાંક લખીને મોકલવાનું રહેશે, જ્યાં તમે પરિણામ જોઈ શકશો. ત્યારે રાજકોટમાં પિતાને લારી પર મદદ કરતો વિદ્યાર્થી ઝળક્યો છે.
ખાણી પીણીની લારી ચલાવનારા માતા-પિતાના પુત્રને IAS ઓફિસર બનવું
ખાણી પીણીની લારી ચલાવનારા માતા-પિતાના પુત્રને IAS ઓફિસર બનવું છે. રાજકોટની ધોળકિયા હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરનારા દેવાણી સુજલે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 98.77 પી.આર મેળવ્યા છે. દેવાણી સુજલે જણાવ્યું હતું કે, પોતે દિવસની છ કલાક સ્કૂલમાં અભ્યાસ પાછળ ગાળતો હતો. જ્યારે કે ત્રણ કલાક ઘરે જઈને પોતે વાંચન કરતો હતો. કોઈપણ જાતના એક્સ્ટ્રા ક્લાસની તેને જરૂરિયાત રહી નથી.
સંઘર્ષ ભરેલા વાતાવરણમાં પણ પુત્રએ સફળતા મેળવી
પિતા મનીષ દેવાણી અને માતા જીજ્ઞા દેવાણી રાજકોટ શહેરના બસ સ્ટેશન પાસે સાંજના સમયે ખાણીપીણીની લારી ચલાવે છે. તેમજ દેવાણી સુજલને યુપીએસસી ક્રેક કરીને આઈએસ ઓફિસર બનવું છે. યુપીએસસીની પરીક્ષા માટે તેણે અત્યારથી જ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ મારફતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુજલ દેવાણીના પિતા મનીષભાઈ દેવાણીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, પોતાના પુત્રના પરિણામથી પરિવાર ખૂબ જ ખુશ છે. સંઘર્ષ ભરેલા વાતાવરણમાં પણ પુત્રએ સફળતા મેળવી છે.


