અમરેલીના વતની અને હાલ સુરત રહેતા પિતા અને બે પુત્રો સહિતના લોકો ન્હાવા માટે નદીમાં પડયા હતા : વિવિધ ટીમો ઉતારી ૨૪ કલાકથી ચાલતી શોધખોળ
નર્મદા નદીના નાંદોદ તાલુકાના પોઇચા ધામ પાસે નર્મદા નદીમાં સ્નાન માટે આવેલા મૂળ અમરેલી જિલ્લાના અને હાલ સુરત રહેતો પરિવાર નદીમાં પડતાં ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જેમાં એક વ્યકિતને સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. તેમજ આજે સવારે એક કિશોરનો મૃતદેહ મળ્યો હતો. જયારે અન્ય છ લોકો હજુ પણ લાપતાં છે. તંત્ર દ્વારા વિવિધ ટીમો ઊંડા પાણીમાં ઉતારી શોધખોળ છેલ્લા ૨૪ કલાકથી કરવામાં આવી રહી છે. આ બનાવ બનવાથી વતનમાં રહેતા પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઇ છે અને મોટાભાગનો પરિવાર પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે. હાલ પોલીસ દ્વારા ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ સુરતના સણીયા હેમાદ વિસ્તારમાં આવેલી ક્રિષ્ણપાર્ક સોસાયટીમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. સપ્તાહ પૂર્ણ થતાં સોસાયટીના બે પરિવારના ૧૭ જેટલા લોકો એક ટેમ્પોમાં પોઇચા ખાતે આવ્યા હતા. પોઇચામાં ધાર્મિક વિધિ કરી પોથી નર્મદા નદીમાં પધરાવી હતી અને બાદમાં ૮ જેટલી વ્યકિતઓ નદીમાં સ્નાન માટે ઉતરી હતી. નદીમાં પરિવારના સાત વર્ષના બાળકથી માંડી ૪પ વર્ષના સભ્ય સ્નાન કરતા અચાનક ડૂબવા લાગ્યા હતાં.
ડૂબતા બાળકોએ બૂમાબૂમ કરતાં ઘાટ પરના લોકો દોડી આવ્યા હતા અને એક વ્યકિતનો હાથ દેખાતા તેમને બચાવી લેવાયા હતાં. બચાવી લેવામાં આવેલા મગનભાઇ નાનાજીભાઇ ઝીંઝરાને સારવાર માટે ખસેડાયા હતાં. જયારે ૪પ વર્ષના ભરતભાઇ મેઘાભાઇ બલદાણિયા તેમના બે પુત્રો સહિત સાત માણસો નદીમાં ગરકાવ થઇ ગયા હતા.
સ્થાનિક તરવૈયાઓ દ્વારા નદીમાં ડૂબકી મારીને તમામની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. કલાકો બાદ પણ કોઇની ભાળ નહી મળતાં આખરે વડોદરાથી એનડીઆરએફની ટીમોને બોલાવવામાં આવી હતી. મોડી સાંજે નર્મદા નદીમાં લાપત્તા થયેલા પિતા અને પુત્રો સહિત સાત વ્યકિતઓને શોધી કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.
નદીમાં ડૂબી ગયેલા લોકોની યાદી
ભરત મેઘાભાઇ બલદાણિયા (ઉ.વ.૪૫)
આરવ ભરતભાઇ બલદાણિયા (ઉ.વ.૧૨)
મૈત્ર ભરતભાઇ બલદાણિયા (ઉ.વ.૧૫)
વ્રજ હિંમતભાઇ બલદાણિયા (ઉ.વ.૧૧)
આર્યન રાજુભાઇ ઝીંઝાળા (ઉ.વ.૭)
ભાર્ગવ અશોકભાઇ હડિયા (ઉ.વ.૧૫)
ભાવેશ વલ્લભભાઇ હડિયા (ઉ.વ.૧૫)
એક જ પરિવારના ત્રણ સભ્યો ગરકાવ
નર્મદા જિલ્લામાં પોઇચાધામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં સુરતની સ્નાન અને ધાર્મિક વિધિ માટે આવેલા એક જ પરિવારના ત્રણ સભ્યો ડૂબ્યા બાદ લાપત્તા થઇ ગયા છે. સુરતની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના વતની ભરતભાઇ બલદાણીયા તેમના બે પુત્રો આરવ અને મૈત્ર સાથે આવ્યા હતાં. આજે ગંગા સપ્તમી હોવાથી નર્મદા નદીમાં સ્નાન માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. પિતા અને બંને પુત્રો નાહતા હતા ત્યારે અચાનક ગરકાવ થતાં સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી. એક જ પરિવારના ત્રણ સભ્યો ડૂબી જતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
રેત માફિયાઓના કારણે બનાવ બન્યો : પરિવારજનો
પોઇચા નદીમાં આઠ લોકો ડૂબ્યા હતાં જેમાંથી એકને બચાવી લેવાયા હતા જયારે અન્ય એકનો મૃતદેહ આજે સવારે મળી આવ્યો હતો. આ બનાવમાં પરિવારજનોએ રેત માફીયાઓ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે પોઇચા નદીના કાંઠે ભૂમાફિયાઓ દ્વારા રેતી ખનન બેરોકટોક થઇ રહી છે જેના કારણે નદીમાં અને કાંઠે ઊંડા-ઊંડા ખાડાઓ પડી ગયા છે અને તેના લીધે સ્નાન કરવા આવતા લોકો ભોગ બની રહ્યા છે.


