- શહેરમાં બે અકસ્માતોમાં બે વ્યક્તિઓનાં મોત
- વાડજ પાસે બાઇકચાલકે બે વ્યક્તિને અડફેટે લેતા વૃદ્ધનું મોત, એક ઇજાગ્રસ્ત
- શહેરમાં બે અકસ્માતોમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા તેમજ ત્રણ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા.
ચાંદખેડામાં રહેતા કાંતિલાલ પ્રજાપતિ રવિવારે કાંતિલાલ પત્ની નિતાબેન અને આઠ વર્ષીય પુત્ર આયુશને લઇને એક્ટિવા પર ચાંદલોડિયામાં સાસરીએથી પરત ઘરે જતા હતા ત્યારે ગોતા વંદેમાતરમ સેવી સ્વરાજ સેન્ટર પોઇન્ટ પાસે બોલેરો પીકઅપ વાને એક્ટિવાને ટક્કર મારતા તેમનું એક્ટિવા આગળ જતી કારમાં અથડાયુ હતુ. જેથી ત્રણેય જમીન પર પટકાતા બોલેરો પીકઅપનું ટાયર નિતાબેનના માથા પરથી ફરી વળ્યુ હતું. અને કાંતિલાલ અને પુત્ર આયુશને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે ત્રણેયને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. તેમજ પીકઅપ વાનના ચાલક જગતપુરના દિલીપ વાઘેલાને લોકોએ પકડીને પોલીસના હવાલે કર્યો હતો. ત્યારે સારવાર દરમ્યાન નિતાબેનનું મોત નિપજ્યું હતું. આ અંગે એલ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે બોલેરો ચાલક દિલીપ વાઘેલા સામે ગુનો નોધી તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. તેમજ લોકોએ દિપીલ વાઘેલા દારૂ પીધેલી હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે બીજા બનાવમાં વાડજમાં રહેતા 62 વર્ષીય બચુભાઇ રાઠોડ તેમના 40 વર્ષીય મિત્ર પ્રકાશભાઇ સોલંકી સાથે સુપથ બિલ્ડિંગ પાસેથી રોડ ક્રોસ કરતા હતા. ત્યારે પૂરઝડપે આવી રહેલ બાઇકચાલકે બંનેને અડફેટે લેતા બંનેને ગંભીર ઇજાઓ પહાંચી હતી.
અકસ્માત થતા આસપાસના લોકો ભેગા થતા બંનેને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં 62 વર્ષીય બચુભાઇનું મોત નિપજ્યું હતું. આ અંગે બી ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે બાઇકચાલક સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.


