નાઇજીરિયાના બોર્નો રાજ્યની રાજધાની મૈદુગુરિમાં બુધવારે સાંજની નમાજ દરમિયાન એક મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ વિસ્ફોટમાં આશરે સાત નમાજ કરતા લોકોના મોત થયા છે. આ ઘટનાની જવાબદારી કોઈપણ સશસ્ત્ર જૂથે લીધી નથી.
મિલિશિયા નેતા બાબકુરા કોલોએ તેને સંદિગ્ધ બોમ્બ વિસ્ફોટ ગણાવ્યો છે. જોકે, અગાઉ પણ આતંકવાદીઓએ મૈદુગુરિમાં આત્મઘાતી હુમલાખોરો અને ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસનો ઉપયોગ કરીને મસ્જિદો અને ભીડભાડવાળી જગ્યાઓને નિશાન બનાવ્યા છે. અહેવાલ મુજબ, ચશ્મદીદોએ જણાવ્યું કે જ્યારે લોકો સાંજની નમાજ માટે એકત્ર થયા હતા, ત્યારે ગેમ્બોરુ માર્કેટ વિસ્તારમાં આવેલી એક ભીડભાડવાળી મસ્જિદની અંદર બોમ્બ વિસ્ફોટ થયો હતો.
સાક્ષીઓનું કહેવું છે કે આ આત્મઘાતી બોમ્બિંગ હોઈ શકે
બાબકુરા કોલોએ જણાવ્યું, શંકા છે કે ઉપકરણ મસ્જિદની અંદર મૂકવામાં આવ્યું હતું અને ત્યાં જ વિસ્ફોટ થયો, જ્યારે કેટલાક સાક્ષીઓનું કહેવું છે કે આ આત્મઘાતી બોમ્બિંગ હોઈ શકે છે.હાલ આ ઘટનાને લઇને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વર્ષો બાદ ફરી વખત બની આ ઘટના
મૈદુગુરિ બોર્નો રાજ્યની રાજધાની છે, જે જિહાદી સંગઠન બોકો હરામ અને તેના અલગ પડેલા ગઠ, ઇસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રોવિન્સની વર્ષોથી ચાલતી હિંસાનું કેન્દ્ર રહ્યું છે. જોકે, શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી કોઈ મોટો હુમલો થયો ન હતો.આજે ફરી એક વખત જૂના હુમલાની યાદો તાજા કરી દીધી.


