સિડનીના પ્રખ્યાત બોન્ડી બીચ પર રવિવારે, 14 ડિસેમ્બરના રોજ થયેલા ભીષણ ગોળીબારથી આખો વિસ્તાર હચમચી ગયો છે. સાંજના સમયે જ્યારે લોકો હનુક્કા તહેવારની ઉજવણી કરી રહ્યા હતા, તે સમયે થયેલા આ હુમલામાં 12 લોકોનાં મોત થયા છે. આ સાથે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. હુમલાના સમયે બીચ પર લગભગ 2000 લોકો હાજર હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દહેશત અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાએ ફરી એકવાર વૈશ્વિક સ્તરે વધી રહેલી માસ શૂટિંગની ઘટનાઓ પર ચિંતા પેદા કરી છે.
સમગ્ર વિશ્વમાં વધતો ખતરો
હાર્વર્ડ રિસર્ચ મુજબ, વર્ષ 1966 થી 2012 વચ્ચે થયેલી કુલ 292 માસ શૂટિંગની ઘટનાઓમાંથી એક તૃતીયાંશ જેટલી ઘટનાઓ માત્ર અમેરિકામાં થઈ છે. આ ખતરનાક પ્રવૃત્તિએ દુનિયાના અનેક દેશોને દહેશતમાં મૂક્યા છે.
- કેપટાઉન (2025) – બારમાં અંધાધૂંધ ફાયરિંગ, 11 લોકોનાં મોત
- લેવિસ્ટન, મેન (2023) – ત્રણ સ્થળોએ ફાયરિંગ, ઓછામાં ઓછા 22 લોકોનાં મોત
- ઉવાલ્ડે, ટેક્સાસ (2022) – રોબ એલિમેન્ટરી સ્કૂલમાં હુમલો, 19 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોનાં મોત
- ન્યૂઝીલેન્ડ (2019) – ક્રાઇસ્ટચર્ચ મસ્જિદમાં ગોળીબાર, 51 લોકો માર્યા ગયા
- લાસ વેગાસ (2017) – અમેરિકાના ઇતિહાસમાં સૌથી ઘાતક માસ શૂટિંગ, 59 લોકોનાં મોત
- નોર્વે, 2011 – આધુનિક ઇતિહાસમાં સૌથી ભયંકર ગોળીબારમાંની એક, જેમાં 77 લોકો માર્યા ગયા.
- વર્જિનિયા ટેક, 2007 – વર્જિનિયાના બ્લેક્સબર્ગમાં આવેલી વર્જિનિયા ટેક યુનિવર્સિટીમાં એક બંદૂકધારીએ 32 વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીની હત્યા કરી અને પછી આત્મહત્યા કરી લીધી.
- ઓસ્ટિન, યુએસએ, 1966 – ટેક્સાસ યુનિવર્સિટીના ક્લોક ટાવર ઉપર બેઠેલા એક સ્નાઈપરએ ગોળીબાર કરીને 15 લોકોને મારી નાખ્યા. આ સાથે 30થી વધુ લોકોને ઘાયલ પણ કર્યા હતા.
આ ઘટનાઓ સ્પષ્ટ સંકેત આપે છે કે, માસ શૂટિંગ એક ગંભીર વૈશ્વિક સમસ્યા બની રહી છે, જેનાથી તહેવારોના માહોલમાં પણ સુરક્ષા જોખમમાં મુકાઈ જાય છે. ઓસ્ટ્રેલિયાના આ શાંત બીચ પર થયેલા હુમલાએ સ્થાનિક લોકોમાં ઊંડો શોક અને રોષ પેદા કર્યો છે. સુરક્ષા એજન્સીઓ હાલમાં આ કેસની સઘન તપાસ કરી રહી છે.


