- ઉત્તર ભારતના અનેક રાજ્યો ગાઢ ધુમ્મસથી ઘેરાયા
- દિલ્હી સહિત અનેક રાજ્યોમાં એર ટ્રાફિકને અસર
- હવામાન વિભાગે ત્રણ રાજ્યો માટે આપ્યું એલર્ટ
સમગ્ર ઉત્તર ભારત આકરી ઠંડીમાં ઠરી રહ્યું છે. ધુમ્મસને કારણે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં એર ટ્રાફિકને અસર થઈ છે. એવામાં હવામાન વિભાગે દિલ્હી, પંજાબ અને હરિયાણાને લઈને એલર્ટ આપ્યું છે.
રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસની સંભાવનાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે બુધવારે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે પંજાબ અને હરિયાણા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે, હવામાન વિભાગ ત્રણ પ્રકારના એલર્ટ જાહેર કરે છે. જેમાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો સમાવેશ થાય છે. આ ત્રણેય એલર્ટ જુદી જુદી સ્થિતિમાં જાહેર કરવામાં આવે છે અને ત્રણેયના અલગ અલગ અર્થ હોય છે.
ઓરેન્જ ચેતવણી
જ્યારે હવામાન ખરાબ થાય છે, ત્યારે જુદા જુદા એલર્ટ જાહેર કરવામાં આવે છે. ઓરેન્જ એલર્ટ જાહેર કરવાનો અર્થ એ છે કે હવામાન અનુકૂળ નથી અને લોકોએ જોઈને ઘરની બહાર નીકળવું જોઈએ.
યલો ચેતવણી
હવામાન વિભાગ યલો એલર્ટ ચેતવણી તરીકે જાહેર કરે છે. આ એલર્ટનો મુખ્ય હેતુ લોકોને સતર્ક રાખવાનો હોય છે. જો હવામાન વધુ ખરાબ થાય તો તેના માટે તૈયાર રહેવું જોઈએ. તેની સાથે હવામાન સંબંધિત માહિતી પણ લેતા રહેવું જોઈએ.
રેડ એલર્ટ
આ એલર્ટ હવામાન વિભાગ ત્યારે જાહેર કરે છે જ્યારે ખરાબ હવામાનના કારણે નુકશાન થવાની સંભાવના વધુ હોય. જો સરળ શબ્દોમાં સમજીએ તો ભારે વરસાદ, તોફાન, ગાઢ ધુમ્મસ અને વાદળ ફાટવાના કિસ્સામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે લોકોને જાન-માલનું નુકસાન થઈ શકે છે.


