ફેસ્ટિવલ ફીવર : રાજકોટમાં અંતે બજાર ધમધમી, અત્યાર સુધી પ્રમાણમાં સુસ્ક રહેલા બજારમાં પુરતા પ્રાણ ફૂંકાયા
ફટાકડાનું વેંચાણ હજુ ઠંડુ, છેલ્લા બે દિવસ ઘરાકી નીકળે તેવી વેપારીઓની આશા અમર
અગ્ર ગુજરાત, રાજકોટ
દેશ આખામાં મંદી..મંદી..નો દેકારો બોલી રહ્યો છે. બાર મહિનાના પરબ એવા દીવાળીના તહેવારને લઇને રાજકોટના વેપારીઓ પણ અત્યાર સુધી વીલા મોઢે ચિંતાતૂર બેઠા હતા પરંતુ દીવાળી આડે ગણતરીની કલાકો બાકી છે ત્યાંરે બારસથી રાજકોટની બજારમાં ખરીદીની રોનક દેખાઇ છે.
નોકરિયાત વર્ગનું બોનસ અને અમુક કંપનીઓમાં ચુકવાયેલા એડવાન્સ પગારના ખનખનિયાની રોનકથી બજારમાં પ્રાણ ફૂંકાયા છે. જો કે એકંદરે ખર્ચાપાણી માંડ નીકળ્યા હોવાનો અસંતોષ પણ વેપારીઓમાં જોવા મળ્યો હતો. ખાસ કરીને ફટાકડા બજાર હજુ ઠંડુ જોવા મળ્યું છે. રિટેઇલ વેપારીઓ છેલ્લા બે દિવસ ધંધામાં તેજી આવે તેવી આશા રાખીને બેઠા છે.
રાજકોટ ઉત્સવપ્રિય, જલાસાપ્રિય અને રંગીલુ શહેર છે. કોઇપણ તહેવાર હોય, ગમે તેવી આર્થિક સ્થિતિ હોય તો પણ મનભરીને માણે છે. ખાસ કરીને દીવાળીની આગળના પંદર દિવસથી જ રોનક દેખાય છે. પરંતુ અત્યાર સુધીના દિવસો પાછલા વર્ષ કરતા પણ અત્યંત શુષ્ક રહ્યા હતા. કપડાથી માંડી, મીઠાઇ, કટલેરિ-હોઝીયેરી, ફટાકડા અને સોના-ચાંદીના વેપારીઓ માથે ઓઢીને રડતા હતા! અંતે દીવાળીની આડે ગણતરીની કલાકો બાકી છે ત્યાંરે બારસના રોજ છેક સારી કહી શકાય એવી ઘરાકી નીકળી છે. શહેરની ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી, કેનાલ રોડ, પેલેસ રોડ, યાજ્ઞિક રોડ સહિતની બજાર તહેવારના આ અંતિમ દિવસોમાં ગ્રાહકોથી ઉભરાવવા લાગી છે. મુખ્ય તમામ બજારોમાં વાહનોને નીકળવુ મુશ્કેલ થઇ પડે તે રીતે લોકો ખરીદી કરવા નીકળી પડ્યા છે.
ગુરુવારે સાંજે પાંચ વાગ્યા પછી ધર્મેન્દ્ર રોડ, પરાબજાર, ત્રિકોણબાગથી લઇને છેક બજાર સુધી, સાંગણવા ચોક, કોઠારિયા નાકાથી પેલેસ રોડ થઇ ગુંદાવાડી બજાર, કેનાલ રોડ પર રિતસર લોકોનો ધસમસતો પ્રવાહ ઉમટી પડ્યો હતો. નોકરિયાત વર્ગનું બોનસ અને અમુક કંપનીઓમાં એડવાન્સ પગાર કે ઉપાડના ખનખનિયાએ બજારમાં કંઇક રોનક દેખાડી છે!
રાજકોટની બજારમાં પંદર દિવસ પહેલાથી જ બજારમાં દીવાળીની રોનક દેખાવા લાગતી હોય છે. પરંતુ આ વખતે અત્યાર સુધી બજારમાં કાગડાં ઉડતા હતા. હોલસેલરથી માંડી રિટેઇલર વેપારીઓએ માલ દુકાન અને ગોડાઉનમાં હકડેઠઠ ભરી લીધો હતો. કેમ ખપસે આ માલ? એવી ચિંતાના વાદળો ઘેરાયેલા હતા. અંતે દીવાળીની આગલા પાંચમાં દિવસે ઘરાકી નીકળતા વેપારીઓના જીવમાં જીવ આવ્યો છે.
ગામડાઓનું ‘હટાણુ’ પૂરજોશમાં દેખાયુ
રાજકોટ શહેર આસપાસના ગામડાઓ વારે, તહેવારે ખરીદી કરવા રાજકોટમાં આવે છે. દીવાળીની ખરીદીની એક પરંપરા રહી છે. આગલા પંદર દિવસ પહેલા જ ગામડાની ખરીદી થઇ જાય છે. પરંતુ આ વખતે ગામડાની ઘરાકી પણ શુષ્ક રહી હતી. ગુરુવારથી રાજકોટની બજારમાં ગામડાનું હટાણુ પણ પૂરજોશમાં દેખાયુ હતુ.
૧ વાગ્યા સુધી બજાર ખુલી રાખવા મનપાની છુટ, પણ પોલીસની કનડગત
હિસાબી ચોપડાઓ વેચતી દુકાન, ફટાકડાની દુકાનો, આટાની દુકાન, દરજી કામની દુકાન, તૈયાર કપડાની દુકાન, હોઝીયેરી, સુગંધિત પદાર્થ વેચતી દુકાન, હોટલ, રેસ્ટોરેન્ટ, ખાણીપીણીના ધંધાર્થીઓ સહિતની બજાર, સોના-ચાંદીના શો-રૂમ સહિતની બજાર દિવાળીના તહેવારમાં ખુલ્લી રાખી શકાશે તેવી મનપાએ સતાવાર રીતે ગૂમાસ્તાધારામાં છૂટ આપી છે. પરંતુ પોલીસ તંત્ર ચોક્કસ ‘અપેક્ષા’એ ૧૨ વાગ્યામાં બંધ કરાવવા નીકળી પડતા હોવાનો જબરો રોષ વેપારીઓમાં છે.