- અબોલું બાળક બોલતું થાય તે માટે માતા પિતા, સ્નેહિજનો બોર ઉછાળશે
- ઠેર ઠેર 1 0 0 ઉપરાંત બોરની લારીઓ તથા હાટડીઓ ગોઠવાઇ જશે
- નડિયાદ સંતરામ મંદિરમાં પોષી પૂર્ણિમાના દિવસે બોર ઉછાળવાનો વિશેષ માહાત્મય છે
નડિયાદ સંતરામ મંદિરમાં આજે ગુરુવારે પોષી પૂર્ણિમા નિમિતે બોર બાધા ઉત્સવ ઉજવાશે. આ બોરની બાધા અબોલા બાળક બોલતું થાય તે માટે તેના માતા-પિતા, સ્નેહીજનો દ્વારા યથાશકિત પ્રમાણે માનેલી માનતા મુજબ અત્રે મંદિરમાં આવીને સંતરામ મહારાજ સમાધિ સ્થાનના દર્શન કર્યા બાદ જય મહારાજના નાદ સાથે બોર ઉછાળીને માનતા પૂર્ણ કરશે. જિલ્લા સહિત રાજયભર માંથી મોટી સંખ્યામાં શ્રાધ્ધાળુઓ દ્વારા અંદાજે અઢી થી ત્રણ ટન ઉપરાંત બોરની ઉછામણી કરીને માનતા પૂર્ણ કરીને ધન્યતા અનુભવશે. આ ઉત્સવની પૂર્વ સંધ્યાએ નડિયાદમાં ઠેર ઠેર બોરના વેપારીઓની હાટડીઓ અને લારીઓ ગોઠવાઇ ગઇ છે નડિયાદ સંતરામ મંદિરમાં પોષી પૂર્ણિમાના દિવસે બોર ઉછાળવાનો વિશેષ માહાત્મય છે. બે શતક પૂર્વે પૂ. સંતરામ મહારાજશ્રી ના આશિર્વાદથી અબોલા બાળકને બોલતું થતાં તેની માતાએ બોરની ઉછામણી કરી હતી. આ પરંપરા મુજબ દર પોષી પૂનમે આ બોર ઉછામણી કરીને ઉત્સવ ઉજવાય છે. બાળકો બોલતા થાય તે માટે તેના માતા પિતા યથાશક્તિ પ્રમાણે મંદિરમાં બોર ઉછામણી કરીને આસ્થા પૂર્ણ કરે છે. મંદિર બહાર બોરની લારીઓ ખડકાઈ પોષી પૂર્ણિમા નિમિત્તે નડિયાદ સંતરામ મંદિર બહાર તેમજ આ રોડ ઉપર ઠેર ઠેર 1 0 0 ઉપરાંત બોરની લારીઓ તથા હાટડીઓ ગોઠવાઇ જશે. આ બોર બાલાસિનોર,વીરપુર, રાજસ્થાન વિગેરથી બોર મંગાવવામાં આવે છે તેમ વેપારીઓએ જણાવ્યું હતું. આ ઉત્સવને લઇને મંદિરમાં મેળા જેવો માહોલ સર્જાય છે.


