સ્વચ્છતા અભિયાન હવે ગ્રામ વિકાસનો મજબૂત આધાર બની રહ્યું છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું ઉમરાળા ગામ આ વિચારને સાકાર કરી રહ્યું છે. ગોબરધન પ્રોજેક્ટના સફળ અમલથી ઉમરાળા ગામ ઓ.ડી.એફ.પ્લસ મોડલ ગામ તરફ દ્રઢ પગલાં ભરી રહ્યું છે.
સ્વચ્છતા એક જનઆંદોલન બની
વડાપ્રધાન દ્વારા વર્ષ ૨૦૧૪માં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત થઈ ત્યારે સ્વચ્છતા એક જનઆંદોલન બની.જેના પરિણા્મરૂપે ૨જી ઓક્ટોબર ૨૦૧૯ના રોજ સમગ્ર દેશને ખુલ્લામાં શૌચમુક્ત (ODF) જાહેર કરવામાં આવ્યો.આ સફર અહીંથી પુરી ન થઈ, પરંતુ વધુ સશક્ત બની.વર્ષ ૨૦૨૦-૨૧થી ૨૦૨૪-૨૫ દરમિયાન સ્વચ્છ ભારત મિશન તબક્કા-૨ અંતર્ગત તમામ ગામોને ODF Plus Model ગામ બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું એમ. આ તબક્કામાં ઘન અને પ્રવાહી કચરાના વૈજ્ઞાનિક સંચાલન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં ગોબરધન પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ કડી બની રહ્યો છે.
ઉમરાળા ગામે આ પ્રોજેક્ટનો શ્રેષ્ઠ અમલ
રાણપુર તાલુકાના ઉમરાળા ગામે આ પ્રોજેક્ટનો શ્રેષ્ઠ અમલ થઈ રહ્યો છે. ગામના લાભાર્થીઓને ગંધ રહિત, રસોઈ માટે બાયોગેસ મળી રહ્યો છે, જ્યારે પ્લાન્ટમાંથી મળતી મિથેન રહિત સ્લરી ખેડૂતો માટે વરદાન સાબિત થઈ રહી છે.આ સ્લરીનો પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ કરીને ખેડૂતો વધુ ઉત્પાદન સાથે જમીનની ઉર્વરતા પણ જાળવી રહ્યા છે. ખર્ચમાં ઘટાડો, ઉત્પાદન વધારે અને પર્યાવરણ સુરક્ષા—ત્રણેનો સમન્વય ઉમરાળા ગામમાં શક્ય બન્યો છે.સ્વચ્છતા, સ્વાવલંબન અને સસ્ટેનેબલ વિકાસનું સુંદર ઉદાહરણ બની રહેલું ઉમરાળા ગામ આજે અન્ય ગામો માટે પ્રેરણા સ્ત્રોત બન્યું છે.


