ડ્રોનું લિસ્ટ વેબસાઇટ પરથી હટાવી લેતુ મનપા : સર્ચ રિપોર્ટ બાદ કડક પગલાં
કરોડો અબજો રૂપિયાની પ્રજા કલ્યાણની યોજનાઓમાં ભાજપના કોર્પોરેટરો અને કાર્યકરો મોં એઠા કરી રહ્યા છે. ગમે ત્યાં મારી ખાવાની વૃતિના કારણે કલ્યાણ યોજનાઓ બદનામ થાય છે. વડાપ્રધાન સહિતના નેતાઓની મહેનત પર સ્થાનિક કાર્યકરો અને નેતાઓ પાણી ફેરવી દે છે. ગોકુલનગર આવાસ યોજનામાં મનપા તંત્રએ કરેલી તપાસમાં બંને કોર્પોરેટરો દોષિત જણાતા તેમને સસ્પેન્ડ કરવામાં આવશે તેમજ ગોલમાલવાળા આ યોજનાના ડ્રોની યાદીને વેબસાઇટ પરથી હટાવી લેવાઇ છે. જો કે આવી સાંઠગાંઠ કરનારા અધિકારીઓ અને કર્મચારીઓને બચાવી લેવાયા છે.
ગોકુલનગર આવાસ યોજનામાં ગરીબોના હક્કના ૨૦ આવાસ ભાજપના કોર્પોરેટર દેવુબેન અને વજીબેનના પતિ મનસુખ જાદવ અને કવા ગોલતરે પોતાના અને પોતાના કુટુંબના નામે કરી દીધા હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કૌભાંડ બહાર આવતા સરકાર અને પ્રદેશ ભાજપે આ મામલે આકરા પગલાં લેવાના ભાગરૂપે દેવુબેન અને વજીબેનને ભાજપમાંથી સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવાની તૈયારી કરી હોવાનું બહાર આવ્યું છે. વોર્ડ નં-૫ના કોર્પોરેટર વજીબેનના પતિ કવા ગોલતર અને વોર્ડ નં-૬ના કોર્પોરેટર દેવુબેનના પતિ મનસુખ જાદવે ગોકુલનગર આવાસ યોજનામાં ગરીબોના હક્કના આવાસ હડપ કરવા માટે ષડયંત્ર રચ્યું હતું. .જેમાં લાભાર્થીઓની યાદીમાં પોતાના અને પોતાના સગાંવહાલાંઓના નામ નાખીને ૨૦ ફલેટ મેળવી લીધા હતા. મુખ્યમંત્રીના હસ્તે ડ્રો થયાની કલાકોમાં જ આ કૌભાંડનો પર્દાફાશ કરતા હડકંપ મચ્યો હતો અને ઘેરા પ્રત્યાઘાતો પડતા રજાના દિવસોમાં પણ અધિકારીઓ પાસે ખુલાસા પૂછવામાં આવ્યા હતા.
મ્યુનિસિપલ કમિશનરે આવાસ ટેક્નિકલ વિભાગની સિટી એન્જિનિયરિંગ અલ્પના મિત્રાને તપાસ સોંપી હતી અને એક જ દિવસમાં રીપોર્ટ આપવા માટે જણાવ્યું હતું. કોર્પોરેટરના પતિઓએ કરેલા કાંડ વિશે સોમવારે સવારે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ આકરું વલણ અપનાવ્યું હતું અને દેવુબેન જાદવ જે કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન પદે છે તેમની પાસેથી ચેરમેન પદ પરથી રાજીનામું લઇ લેવાયું હતું. જયારે વજીબેન ગોલતર કે જે રોશની સમિતિના ચેરમેન છે તેમની પાસેથી પણ રાજીનામું મગાયું હતું. આ ઉપરાંત એવી સ્પષ્ટ સૂચના અપાઇ હતી કે, તેઓ ભાજપના કોઇપણ કાર્યક્રમમાં હાજરી નહીં આપે અને મહાનગરપાલિકાની કચેરી પણ આવી શકશે નહીં. પ્રમુખે એમ પણ જણાવ્યું હતું. કે રીપોર્ટ આવ્યા બાદ પ્રદેશ કક્ષાએ જાણ કરાશે અને ત્યાંથી જે પણ શિક્ષાત્મક પગલાંનો નિર્ણય લેવામાં આવશે તેની જાણ કરાશે. રીપોર્ટમાં મનસુખ અને કવાએ ગેરરીતી કરી હોવાની સ્પષ્ટ બાબત જણાઇ હતી. જેને લઇને મનપાએ વેબસાઇટ પરથી ડ્રોનું લીસ્ટ પણ હટાવી દીધું હતું.
કૌભાંડ કરનારના પત્નીઓ દેવુબેન અને વજીબેનને ભાજપમાંથી સસ્પેન્ડ કરવા જોઇએ તેવું મન મવોડી મંડળ અને સ્થાનિક નેતાઓ બનાવી લીધું છે. ત્યારે આજે રીપોર્ટ મળ્યા બાદ તેની ઉચ્ચકક્ષાએ જાણ કરીને બન્ને મહિલા કોર્પોરેટરને પક્ષમાંથીસ સસ્પેન્ડ કરાય તેવી સંભાવના છે.


