- બ્રાઝિલમાં પૂરને લીધે 14 લાખ લોકો અસરગ્રસ્ત
- બ્રાઝિલનું રિયો ગ્રેનેડ ડો સુલ રાજ્ય પૂરથી ઝઝૂમી રહ્યું છે
- પૂરથી જનતા ત્રાહિમામ, સરકારની ચિંતામાં વધારો
બ્રાઝિલ અત્યારે કુદરતી હોનારતથી ઝઝૂમી રહ્યું છે. બ્રાઝિલના દક્ષિણમાં આવેલું રિયો ગ્રેનેડ ડો સુલ રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી મૂશળધાર વરસાદને લીધે પૂર આવ્યું છે. આ પૂરને કારણે આશરે 100 લોકોનાં મોત થઈ ગયા છે. પૂરથી સાડા 14 લાખ લોકોને અસર થઈ છે. બે લાખ લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું છે. બ્રાઝિલની સિવિલ ડિફેન્સ એજન્સીના આંકડાઓ અનુસાર પૂર અને વરસાદને લીધે અત્યાર સુધી 99,800 ધર આંશિક અથવા પૂર્ણ રૂપથી નાશ પામ્યા છે.
29 એપ્રિલથી થઈ રહી છે સતત વરસાદ
બ્રાઝિલના રિયો ગ્રેનેડ ડો સુલ રાજ્યમાં છેલ્લા 29 એપ્રિલથી અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે. જેથી રાજ્યના 497 શહેરમાંથી 414 પૂરથી ઝઝૂમી રહ્યા છેય આ રાજ્ય બ્રાઝિલના ખેતી અને પશુપાલન કરનારા ટોચનું રાજ્ય છે. આર્જેન્ટિના અને ઉરુગ્વેની સરહદ પર આવેલું આ રાજ્ય ભારે વરસાદ અને પૂરના પ્રકોપથી લડી રહ્યું છે. એક અનુમાન પ્રમાણે આ વરસાદ અને પૂરથી આશરે 4.6 અબજ રિયાલનું આર્થઇક નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત વધુ પ્રમાણમાં આવાસ અને મૂળભૂત માળખાને વધુ નુકસાન થયું છે.
મળતી માહિતી અનુસાર, 130થી વધુ લોકો હજી પણ ગુમ હોવાનું સામે આવ્યું છે. હવામાન વિભાગની કચેરીએ હજી વરસાદની આગાહી કરી છે. જેથી સ્થિતિ વધુ વણસે તેવી શક્યતા છે. વરસાદને લીધે નદીઓ અને તળાવ સંપૂર્ણ ભરાઈ ગયા છે. આ ઉપરાંત પોર્ટો એલેગ્રે શહેર પૂરથી વધુ અસરગ્રસ્ત થઈ ચુક્યું છે.


