- ઘટના સમયે દર્દીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સથી અન્ય હોસ્પિટલોમાં ખસેડાયા
- મૃત્યુ પામનારાઓમાં બે મહિલાઓ અને બે પુરૂષો સામેલ
- મહિલાઓની ઉંમર 76 થી 86 ની વચ્ચે હતી
ઈટાલીની રાજધાની રોમમાં શનિવારે એક મોટો અકસ્માત થયો હતો. તિવોલી વિસ્તારની એક હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. તે જ સમયે, આગના કારણે, 200 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. આમાં એક સગર્ભા મહિલા ઉપરાંત કેટલાય બાળકો પણ સામેલ હતા. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામનારાઓમાં બે મહિલાઓ અને બે પુરૂષો સામેલ છે. મહિલાઓની ઉંમર 76 થી 86 ની વચ્ચે હતી. હોસ્પિટલમાં આગ કેમ અને કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.
ટિવોલીના મેયર કાર્યાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે ઇવેન્જલિસ્ટ હોસ્પિટલમાં આગ શા માટે અને કેવી રીતે લાગી તે કારણો શોધવા માટે તપાસ કરવામાં આવી રહી છે. દર્દીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. તો અન્ય માહિતી અનુસાર શિફ્ટ કરાયેલા લોકોમાં સાત બાળકો અને કેટલાક શિશુઓનો સમાવેશ થાય છે.
કહેવામાં આવી રહ્યું છે કે આગ પર કાબૂ મેળવવામાં થોડો વિલંબ થયો હતો. મેયર ઓફિસે પણ સ્વીકાર્યું કે થોડો વિલંબ થયો છે. વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.


