મૂળભૂત રીતે એક આદત એટલે પડે છે, કેમ કે તે તમારા જીવનમાં એક સરળતા લાવે છે – તે તમારા જીવનના અમુક ભાગોને ઓટોમેટિક બનાવે છે. તમારે તેના વિશે વિચારવાની જરૂર નથી પડતી. તમે તેને બસ એમ જ કરી શકો છો.
બીજાં પ્રાણીઓથી વિપરીત, આપણે આપણાં ઘણાં બધાં લક્ષણો પહેલાંથી નક્કી કરીને નથી આવ્યા, એટલે સ્વાભાવિક રીતે જ માણસ આદતો બનાવે છે. તમે એક કૂતરા અને બીજા કૂતરા વચ્ચે થોડો તફાવત જોશો. તેઓનું આગવું વ્યક્તિત્વ હોય છે, પરંતુ તેમના મોટાભાગનાં લક્ષણો નિશ્ચિત હોય છે, પરંતુ એક માણસ માટે લગભગ બધું જ ખુલ્લું છે. આ કારણે એક બાળક તરીકે તમે એક સુરક્ષા માટેની પેટર્ન બનાવવાનો પ્રયત્ન કરો છો, જે માટે તમે તમારી પોતાની એક પેટર્ન બનાવવાનો પ્રયાસ કરતા હોવ છો.
દરેક બાળક જીવન ટકાવી રાખવા માટે અમુક આદતો વિકસાવે છે, પરંતુ સામાન્ય રીતે જેમ જેમ બાળકો મોટાં થતાં જાય તેમ તેમ તેમની આસપાસ કેટલા સ્તરની જાગરૂકતા બનાવો છો તેના આધારે તેઓ આ પેટર્નને દૂર કરતા હોય છે. કાં તો તેમની સામે ઉદ્ભવતી પરિસ્થિતિઓ થકી કે પછી શિક્ષણ થકી, બાળકો એકદમ બદલાઈ જાય છે – તેઓ ત્રણ વર્ષ માટે બહાર જાય અને જ્યારે તેઓ પાછાં આવે છે, ત્યારે માતાપિતા તેમને ઓળખી નથી શકતાં.
જે લોકો પોતાના રક્ષણમાં મગ્ન છે તેઓ જૂની આદતો છોડી નથી શકતા. જે લોકો સાહસની ખોજમાં છે તેઓ તેમની આદતો સરળતાથી છોડી દેશે, કારણ કે તેઓ જે પરિસ્થિતિમાં છે તેના માટે જે કંઇ પણ જરૂરી હોય તે મુજબ તેમના જીવનને હંમેશાં બદલતા હોય છે.
સૌથી મહત્ત્વનું, જો કોઈ વ્યક્તિ અધ્યાત્મનો માર્ગ અપનાવે છે, તો તેની આદતો છૂટી જશે, કારણ કે સારી આદતો અને ખરાબ આદતો જેવી કોઈ વસ્તુ નથી હોતી. એક વાર તમે મોટા થઈ જાવ પછી, આદતોનો અર્થ એ છે કે તમે તમારું જીવન અજાગરૂકપણે જીવવાનું શીખી રહ્યા છો. તે સુરક્ષિત લાગી શકે, પરંતુ તે ઘણી જુદી જુદી રીતે તમને જીવનથી દૂર કરે છે.
અધ્યાત્મ આપણી અંદર રહેલી બધી જ અજાગરૂક પેટર્નને તોડવા માટેનું મૂળભૂત સાધન છે. આપણે જેને કર્મ તરીકે ઓળખીએ છીએ તે પણ આ જ છે. કર્મનો અર્થ છે કે તમે તમારા માટે અજાગરૂક રીતે પેટર્ન બનાવી રહ્યા છો, ખાલી તમારા વર્તન વિશે જ નહીં, પરંતુ તમારી સાથે જીવન જે રીતે ઘટિત થાય છે તેના વિશે પણ.
એક આધ્યાત્મિક પ્રક્રિયાનો અર્થ છે કે તમે કંઈ પણ અજાગરૂક રીતે થવા દેવા નથી માંગતા. જો તમે વિકાસ શોધી રહ્યા છો, જો તમે મુક્તિ શોધી રહ્યા છો, તો તમારે તમારી બધી પેટર્ન તોડવી પડશે – સારી કે ખરાબ નહીં, પણ બધી જ.
જો તમે પેટર્ન તોડી નાખો, તો તમે તમારા જીવનને જાગરૂકતાથી સંભાળશો. જો તમે દરેક શ્વાસ જાગરૂકપણે અંદર લો અને બહાર કાઢો, તો અચાનક તમારા શ્વાસમાં એક અલગ પ્રકારની શક્તિ હોય છે. જો તમે તેને જાગરૂકતાથી કરો તો તમારા જીવનની દરેક હિલચાલમાં જબરદસ્ત શક્તિ હોય છે. જો તમારે જીવનની શક્તિને જાણવી હોય, તો તમારે તેના વિશે જાગરૂક રહેવું પડશે, નહીં તો તમારા માટે તેનું અસ્તિત્વ જ નહીં હોય.