રોજ બનતા દાળ અને ભાતમાં થોડા ફેરફાર કરી નવીનતા લાવી શકાય
દાળના સ્વાદ પરથી ગૃહિણીની રસોઈ કળાની આવડત પરખાઈ જાય છે
ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બપોરના ભોજનમાં દાળ, ભાત, શાક, રોટલી સાથે સંભારો, ચટણી, સલાડ વગેરે બનાવવાનો રિવાજ છે. એવું પણ કહેવાય છે કે જેનું અથાણું બગડ્યું તેનું વર્ષ બગડ્યું અને જેની દાળ બગડી તેનો દિવસ બગડ્યો. દાળ બનાવવી એ એક આવડત માંગી લે તેવું કામ છે.દાળના સ્વાદ પરથી ગૃહિણીની રસોઈ કળાની આવડત પરખાઈ જાય છે રોજ એક જ પ્રકારની દાળ અને ભાત ખાઈને ક્યારેક કંટાળો આવે તો અમુક નાના મોટા ફેરફાર કરીને દાળ અને ભાતમાં પણ નવો સ્વાદ લાવી શકાય છે.દરરોજ દાળ અને ભાત બનાવતી વખતે ટિપ્સ અપનાવશો તો અલગ સ્વાદ આવશે.
- મોટાભાગની મહિલાઓ દાળ બનાવતી વખતે લસણનો ઉપયોગ વઘાર માટે કરે છે, પરંતુ તેના બદલે દાળને ઉકાળતી વખતે તેમાં લસણની બે કળી, 1 લીલું મરચું (સમારેલું), થોડી હિંગ ઉમેરો. સાથે સાથે હળદર, મીઠું જેટલી માત્રામાં ઉમેરતા હોય તેટલી જ માત્રામાં ઉમેરવું. હવે આ દાળ બની ગયા પછી તેમાં 1 ચમચી ઘી ઉમેરવાથી તેનો સ્વાદ સરસ લાગશે.
- દાળનો સ્વાદ જેટલો સારો હોય છે, તેટલો જ દાળના વધારનો સ્વાદ પણ સારો હોવો જોઈએ. દરરોજ જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરો જેમ કે એક દિવસે જીરું, બીજા દિવસે રાઈ, ત્રીજા દિવસે મીઠા લીંમડાના પાન, ચોથા દિવસે મરચાં અને આજ રીતે વિવિધ પ્રકારના વધાર કરવાનો પ્રયત્ન કરતા કરો. આ બધાને ઘી માં ફ્રાય કરો, દાળનો સ્વાદ ખૂબ જ સરસ આવશે.
- દાળને બાફતી વખતે તેમાં સરગવાની શીંગ નાખવાથી પણ દાળનો સ્વાદ એકદમ સરસ આવશે.
- દાળમાં શીંગદાણા નાખવાથી પણ સ્વાદ વધુ સારો આવે છે આ માટે શીંગદાણા બાફીને પણ નાખી શકાય અને દાળ ઉકાળતી વખતે પણ તેમાં ઉમેરી શકાય
- દરરોજ તુવેરની દાળને ઝેરીને કરવાને બદલે કોઈ વખત આખી તુવેરની દાળને વઘારીને પણ બનાવી શકાય.
- જો તમે ઇચ્છો છો કે ભાત હંમેશા છુટા બને અને વધારે સ્ટાર્ચ પણ ના રહે, તો ચોખાને સૌથી પહેલા સારી રીતે ધોઈ લો. ચોખાને ઉકાળતી વખતે તેને વચ્ચે હલાવો નહિ.
- કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે ભાતમાં સહેજ ચપટી જેટલી હળદર ઉમેરી,તેમાં લીંબુ નો રસ ઉમેરવાથી લેમન રાઈસ પણ સરસ લાગશે.
- ચોખાની સાથે તેલના બે ટીપાં નાખો. ફક્ત બે ટીપાં જ નાખવાથી કામ થઈ જશે તેનાથી વધુની જરૂર રહેશે નહીં. આ પછી મોટા ચોખા પણ એક સાથે ચોંટી જશે નહીં.
- જો તમે ભાતમાં થોડો અલગ સ્વાદ લાવવા માંગતા હોય, તો ચોખાને ધોઈ લો અને 1 ચમચી ઘી અને 2 લવિંગથી સાથે થોડું ફ્રાય કરી લો. ધ્યાન રાખો કે તેને વારંવાર હલાવવાની જરૂર નથી આપણે તેને માત્ર 1 મિનિટ માટે ફ્રાય કરવા પડશે. આ પછી તેમે તેને દરરોજ જેમ રાંધો છો તૈવી જ રીતે રાંધશો. ચોખા થોડા ઝડપથી રંધાશે અને સાથે સાથે તેનો સ્વાદ પણ અલગ આવશે.
- જો ભાતમાં વધારે પાણી હોય અને તમને લાગે છે કે તે હવે ભાત ખાવા માટે યોગ્ય નથી, તો તેને વધારે રાંધવાને બદલે તેમાં બ્રેડની સ્લાઈસ ઉમેરી દો. આ ભાતમાંથી વધારાનું પાણી શોષી લેશે અને તમારે તેને લાંબા સમય સુધી રાંધવું પણ નહિ પડે.
- છુટા અને સફેદ ભાત માટે પહેલા પાણીને એકદમ ઉકળવા દો પછી ચોખા ઉમેરો અને ચોખા ચડી જવા આવે એટલે તેમાં અડધું લીંબુ નીચોવી દો ભાત એકદમ છૂટો અને સફેદ થશે.
- ભાતને છુટા બનાવી સહેજ ઘી મૂકી તજ લવિંગનો વઘાર કરવાથી એક અલગ જ ફ્લેવર આવશે.
- કોઈપણ સમયે છૂટા ભાત બનાવી તેમાં વટાણા ઉમેરવાથી પણ ભાતનો સ્વાદ અલગ આવશે.