- બ્રિટનના વિઝા નિયમોમાં ફેરફાર થયો છે
- બ્રિટન જવા માંગતા ભારતીયો માટે સારા સમાચાર છે
- બ્રિટને ફેમિલી વિઝા માટેની આવક મર્યાદા યોજનાને અટકાવવામાં આવી
બ્રિટને દેશમાં સ્થળાંતર કરનારાઓનો ધસારો ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે તેના વિઝા નિયમોમાં નોંધપાત્ર ફેરફારો કર્યા હતા. તેમાં નોંધપાત્ર રીતે વિવિધ પ્રકારના વિઝા માટે પગાર મર્યાદામાં વધારાનો સમાવેશ થતો હતો, જે યુકેમાં રહેતા ભારતીય વિદેશીઓને સૌથી વધુ અસર કરે તેવી શક્યતાઓ હતી. આ સાથે નિયમોમાં ફેરફારને કારણે જે લોકો રોજગાર માટે બ્રિટન જવા માગે છે તેમના માટે સારા સમાચાર છે.
બ્રિટને ફેમિલી વિઝા માટેની આવક મર્યાદા યોજનાને અટકાવવામાં આવી
બ્રિટને ફેમિલી વિઝા માટેની આવક મર્યાદા વધારીને 38,700 પાઉન્ડ કરવાની યોજનાને અટકાવી દીધી છે. આ માહિતી બ્રિટનના ગૃહ સચિવ યવેટ કૂપરે આપી છે. આ યોજના અગાઉની સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી, જ્યારે ઋષિ સુનક વડાપ્રધાન હતા. આ યોજનાનું કારણ બ્રિટનમાં ઈમિગ્રેશન ઘટાડવાનું હતું. તેનો અમલ 2025માં થવાનો હતો, પરંતુ નવી સરકારે તેને અટકાવી દીધો છે. હવે આ યોજના સ્થળાંતર સલાહકાર સમિતિ દ્વારા સમીક્ષા કર્યા પછી જ લાગુ કરવામાં આવશે.
આવક મર્યાદા કેમ બંધ કરવામાં આવી?
હોમ સેક્રેટરી યવેટ કૂપરે કહ્યું કે સરકારે MACને ફેમિલી વિઝા પોલિસીની સમીક્ષા કરવા વિનંતી કરી છે. આ સમીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી, વર્તમાન આવક મર્યાદા 29,000 પાઉન્ડ યથાવત રહેશે. “જ્યાં સુધી MAC તેની શરતો પૂરી ન કરે ત્યાં સુધી વર્તમાન 29,000 પાઉન્ડ લઘુત્તમ આવકની જરૂરિયાતોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં,” ગૃહ સચિવે જણાવ્યું હતું. સમીક્ષા દરમિયાન, સરકાર એ સમજવાનો પ્રયાસ કરશે કે આવકની મર્યાદા વધારવા અને કામદારોના પરિવારોને વિદેશથી આવતા અટકાવવાથી યુકેના અર્થતંત્ર પર શું અસર પડશે.
નવી સરકારની નવી નીતિ
નવી સરકારની વિચારસરણી વિદેશી કામદારોને નોકરી પર રાખવાને બદલે બ્રિટનની સ્થાનિક નોકરીઓની કાર્યક્ષમતા વધારવા પર સૌ પ્રથમ ધ્યાન કેન્દ્રિત કરવાની છે. ગૃહ સચિવે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં કાનૂની સ્થળાંતરનું વધતું સ્તર શ્રમ બજારની ખામીઓ અને અન્ય સમસ્યાઓને દૂર કરવામાં દેશની નિષ્ફળતા દર્શાવે છે. વધુમાં તેમને કહ્યું કે, “અમે સ્થળાંતર નીતિ અને વિઝા નિયંત્રણોને કૌશલ્યો અને શ્રમ બજાર નીતિઓ સાથે જોડી રહ્યા છીએ, જેથી સ્થળાંતરનો ઉપયોગ તાલીમ અથવા ઘરેલુ કામની સમસ્યાઓ ઉકેલવાના વિકલ્પ તરીકે ન થાય.”
વિઝા અરજીઓમાં થયો ઘટાડો
2024 ના પ્રથમ ક્વાર્ટરમાં, યુકેમાં મુખ્ય વિઝા રૂટ માટે અરજી કરનારા લોકોની સંખ્યામાં 25% ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડાનું મુખ્ય કારણ પાછલી સરકાર દ્વારા છેલ્લા કેટલાક મહિનામાં લાદવામાં આવેલા કડક નિયમો છે. આ નિયમોમાં લઘુત્તમ આવકની જરૂરિયાતો, સખત સ્ટૂડન્ટ વિઝા નિયમો અને વિદેશી આરોગ્યસંભાળ કામદારોને લગતી નીતિઓનો સમાવેશ થાય છે.
નવી સરકારનો ઉદ્દેશ્ય યુકેના અર્થતંત્ર અને સ્થાનિક શ્રમ બજારની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે. ફેમિલી વિઝા પોલિસીમાં આ ફેરફારો એ સુનિશ્ચિત કરશે કે યુકેમાં આવતા પરિવારો યુકેની અર્થવ્યવસ્થાને અસર કરતા પહેલા યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવે.


