- હવે સ્ટુડન્ટ વિઝા પર ગયેલા લોકો પોતાની સાથે આશ્રિતને નહીં લઈ જઈ શકે
- નવા નિર્ણય બાદ બ્રિટન જતા લોકોમાં વર્ષે 1.40 લાખ લોકોની કમી આવશે
- ભારતીય વિદ્યાર્થીઓ સુવિધાથી વંચિત
બ્રિટનમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીમાં વધારો થવાનો છે. સુનક સરકારના નવા નિર્ણયથી વિદ્યાર્થીઓ માટેના સ્ટુડન્ટ વિઝાના ઉપયોગ પર લગાવ લાગવી શરૂ થઈ જશે. બ્રિટન સરકારે દેશમાં વધી રહેલી ઇમિગ્રન્ટ્સની સંખ્યા પર લગામ લગાવવા માટે આકરા વિઝા નિયમો શરૂ કર્યા છે. મીડિયા અહેવાલો અનુસાર આકરા વિઝા નિયમોને કારણે લાખો લોકો પ્રભાવિત થશે અને બ્રિટન જનારા લોકોની સંખ્યામાં દરેક વર્ષે એક લાખ 40 હજાર કરતા વધારે કમી આવશે.
બ્રિટનના ગૃહમંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા નિવેદનમાં જણાવામાં આવ્યું હતું કે વિઝાના નિયમોને આકરા કરવાનો મુખ્ય હેતુ બ્રિટનમાં પ્રવેશ માટે પાછલા દરવાજાના રૂપમાં સ્ટુડન્ટ વિઝાના ઉપયોગ પર લગામ લગાવવાનો છે. બ્રિટનમાં આ વિઝાના નિયમોને ગયા વર્ષે મે મહિનામાં તત્કાલીન ગૃહપ્રધાન સુએલા બ્રેવરમેને રજૂ કર્યા હતા.
સત્તાવાર આંકડાઓની વાત કરીએ તો વર્ષ 2019 બાદ બ્રિટન જનારા લોકોની સંખ્યામાં 930 ટકા કરતા વધારેનો વૃદ્ધિ નોંધાઈ છે.
ભારતીય વિદ્યાર્થીઓ સુવિધાથી વંચિત
બ્રિટનમાં નવા વિઝા નિયમો લાગુ થવાથી – હવે ભારતીય વિદ્યાર્થીઓ પોતાના કોઈ આશ્રિતને બ્રિટન નહીં લઈ જઈ શકે. નવા વિઝા નિયમો હેઠળ તેને અયોગ્ય જાહેર કરાયું છે. તેવામાં આ વર્ષે બ્રિટિશ યુનિવર્સિટીમાં એડમિશન લેનારા સ્ટુડન્ટ્સ પોતાના પરિવારના સભ્યોને સાથે નહીં લઈ જઈ શકે.
જે સ્ટુડન્ટ્સ પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ માટે, રિસર્ચ કોર્સ માટે અથવા તો પછી ગવર્નમેન્ટ ફંડેડ સ્કોલરશિપ હેઠળ અભ્યાસ કરી રહ્યા છે તેવા ભારતીય વિદ્યાર્થીઓને પોતાની સાથે પરિવારના સભ્યોને લઈ જવાની મંજૂરી રહેશે.
બ્રિટનમાં ભારતીય લોકોની સંખ્યા 14 લાખ છે. ભારતીય સમુદાય ત્યાંની વસતીના 2.5 ટકા બરાબર છે. બ્રિટનના અર્થતંત્રમાં આ ભારતીય સમુદાયના લોકોનું યોગદાન છ ટકા છે.


