- હત્યારાએ બે પોલીસ અધિકારી સહિત પાંચ લોકો પર તલવારનો વાર કર્યો
- હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી : આતંકવાદી ઘટના નહીં હોવાનો પોલીસનો મત
- સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોમાં યુવાન હેનોલ્ટ વિસ્તારમાં તલવારની સાથે ફરતો દેખાતો હતો
બ્રિટનમાં પૂર્વ લંડનમાં ટયૂબ સ્ટેશનની પાસે એક 36 વર્ષના યુવકે મંગળવારે બે પોલીસ અધિકારીઓ સહિત ઓછામાં ઓછા પાંચ લોકો પર ધારદાર તલવારતી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘવાયેલા એક 13 વર્ષનાં બાળકનું મૃત્યું થયું છે તેમ જણાવતાં મેટ્રોપોલિટન પોલીસે ઉમેર્યું હતું કે હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે એ બાબત પણ સ્પષ્ટ કરી હતી કે આ કોઈ આતંકવાદી હુમલાને સંબંધિત ઘટના જણાતી નથી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ બે પોલીસ કર્મચારીઓ સહિત પાંચ લોકોને તલવાર ભોંકી દીધી હતી. ઘાયલોની લેટેસ્ટ સ્થિતિના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
પૂર્વીય લંડનના હેનોલ્ટમાં ઇમર્જન્સી સેવાઓ હાજર કરાઈ
ઘટનાની જાણકારી મળતાં જ તંત્ર દ્વારા પોલીસ સહિતની તમામ ઇમર્જન્સી સર્વિસિસને લંડનના હેનોલ્ટમાં હાજર કરી દેવામાં આવી છે. આ વિસ્તારના થુરલો ગાર્ડન ક્ષેત્રના એક ઘરમાં એક વાહન ઘૂસી જવાની ઘટના પર પોલીસને સ્થાનિક સમય અનુસાર સવારે સાત કલાકે બોલાવવામાં આવી હતી. આ પછી તરત જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ ગયો હતો જેમાં એક દાઢી ધરાવતો યુવાન હેનોલ્ટ વિસ્તારમાં તલવારની સાથે ફરતો દેખાતો હતો.
બ્રિટિશ ગૃહપ્રધાને દિલસોજી વ્યક્ત કરી
બ્રિટનના ગૃહપ્રધાન જેમ્સ ક્લેવરલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે તેમને આ ઘટનાના સંદર્ભમાં નિયમિત રૂપથી અપડેટ કરવામાં આવી રહ્યા છે.


