- લંડનમાં રિસર્જન્સ ઓફ અ ન્યૂ ઈન્ડિયા કાર્યક્રમનું આયોજન
- બ્રિટનમાં ભારતના હાઈકમિશનર વિક્રમ દોરાઈસ્વામી સમારોહમાં હાજરી
- “ભારત હવે આર્થિક અને સામાજિક રીતે બની રહ્યું છે મજબૂત”
લંડનમાં બ્રિટિશ સાંસદો દ્વારા “નમસ્તે લંડન” રિસર્જન્સ ઓફ અ ન્યૂ ઈન્ડિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રિટિશ સાંસદોએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. બ્રિટિશ સાંસદોએ PMના વખાણ કરતા કહ્યું કે, PM મોદીના નેતૃત્વમાં ભારત હવે વધુ પ્રગતિ કરી રહ્યું છે.
આ કાર્યક્રમમાં વિવિધ પક્ષોના બ્રિટિશ સાંસદો અને વિદેશી નેતાઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન, ઇગ્નીટિંગ કલેક્ટિવ ગુડનેસ: મન કી બાત @100 લોન્ચ કરવામાં આવી હતી. તે ઓક્ટોબર 2014 થી પીએમ મોદીની રાષ્ટ્ર સાથેની વાતચીતને આવરી લે છે. આ સિવાય હાર્ટફેલ્ટ નામનું પુસ્તક પણ બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં પીએમ મોદી અને શીખોના મજબૂત સંબંધોને દર્શાવવામાં આવ્યા છે. બ્રિટનમાં ભારતના હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ પણ આ સમારોહમાં હાજરી આપી હતી.
ઇવેન્ટ દરમિયાન, સટન અને ચીમના સાંસદ પોલ સ્ટુઅર્ટ સ્કલીએ ભારત અને યુકેના લોકો વચ્ચેના મજબૂત સંબંધો પર ગર્વ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે મેં જાતે જોયું છે કે કેવી રીતે યુકે અને ભારતીય પરિવારો અને સમુદાયો સાથે મળીને કામ કરે છે. હું પોતે ભારતીય લઘુમતી છું. ટેક મિનિસ્ટર તરીકે, હું આ વર્ષની શરૂઆતમાં G20 ડિજિટલ ટેક મિનિસ્ટર્સ મીટિંગ માટે બેંગલુરુ ગયો હતો અને મેં જાણ્યું કે બેંગલુરુ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું ડિજિટલ હબ છે. લંડન બીજા નંબરે હતું. તેમણે ભારતને ઉર્જા આપવા અને યુકે-ભારત સંબંધોને મજબૂત કરવા માટે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી.
હેરો વેલ્ડના મેયર કાઉન્સિલર રામજી કાનજી ચૌહાણે જણાવ્યું હતું કે મોદીના નેતૃત્વમાં ભારતના રાજકીય લેન્ડસ્કેપનો હેતુ નાગરિકો માટે જીવનની સારી ગુણવત્તાનો છે. આ સિવાય હાઉસ ઓફ લોર્ડ્સના વર્તમાન સભ્ય લોર્ડ જર્મને વિશ્વ મંચ પર ભારતના ઉચ્ચ સ્થાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે વૈશ્વિક મંચ પર ભારતની સ્થિતિ હવે છેલ્લા નવ વર્ષની સરખામણીમાં ઘણી મજબૂત છે. ભારત હવે આર્થિક અને સામાજિક રીતે મજબૂત બની રહ્યું છે.


