- સરપંચ પર પાઈપ-ધોકાથી હુમલો
- ગેરકાયદે પાણીની ચોરી અટકાવવા પહોંચેલા સરપંચ
- વિંછીયા પોલીસ સ્ટેશનમાં અરજી
વિંછીયા તાલુકાના કોટડા ગામથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલા પાનેલીયા ડેમમાંથી ગેરકાયદે ખેડૂતો ઈલેક્ટ્રિક મોટર અને ડીઝલ પંપ મશીનથી ડેમનું પાણી ચોરી રહ્યા હોવાની ઘટના સામે આવી હતી. જેને અટકાવવા માટે ગામના સરપંચે પ્રયાસ કર્યો હતો, પરંતુ અસામાજિક તત્વોએ તેમના પર ઘાતકી હુમલો કરતા તેમને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી હતી.
આ ઘટનાની વધુ વિગતો પ્રમાણે વિંછીયા તાલુકાના કોટડા ગામના પાનેલીયા ડેમમાં ગેરકાયદેસર પાણી ચોરી અટકાવવા જતા સરપંચ પ્રાગજીભાઈ ઓળકીયા પર ત્રણ શખ્સોએ પાઇપ અને ધોકાથી ઘાતક હુમલો કર્યો હતો. આ હિચકારા હુમલાની ઘટનામાં સરપંચ ઘાયલ થઈ ગયા હતા અને તેના પછી તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી વિંછીયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ત્રણ શખ્સો વિરુદ્ધ વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી આપવામાં આવી છે. જો કે આ સિવાય આ ગેરકાયદે પાણીચોરીની ઘટનાને અટકાવવા માટે સિંચાઈ વિભાગના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ આ અધિકારીઓએ એવું કહીને હાથ ઊંચા કરી લીધા હતા કે હાલમાં દિવાળીની રજાઓ ચાલે છે તેથી આ પતે તેના પછી જોઈ લઈશું. સિંચાઈ વિભાગના અધિકારીઓએ આવો બેજવાબદાર અને ઉડાઉ જવાબ આપીને સમસ્યાને ઉકેલવાના બદલે તેને રફેદફે કરવાનું વલણ અપનાવ્યું હતું.
આ ઘટનાની એક વિગત એવી છે કે વિંછીયામાં આવેલ મોટી સિંચાઈના પાનેલીયા ડેમમાંથી ખેડૂતો ગેરકાયદેસર રીતે ઈલેક્ટ્રીક મોટર અને ડીઝલ પંપ મશીન દ્વારા ડેમમાંથી પાણી ચોરી કરી રહ્યા હતા. ત્યારે કોટડા ગામના સરપંચ પ્રાગજીભાઈ ઓળકિયા દ્વારા પાણી ચોરી અટકાવવાનો પ્રયાસ કરાયો હતો. તેઓ પોતે પાનેલીયા ડેમ પર ગયા હતા અને આ કામ અટકાવવા માટે વાત કરે ત્યાં તો ત્રણ શખ્સોએ પાઇપ અને ધોકા વડે તેમના પર હુમલો કરી દીધો હતો. ત્યારબાદ ત્રણ આરોપીઓ વિરુદ્ધ વિક્રમ શંભુ બાંભણિયા અને ભાવેશ વાલજી ઓળખ્યા તેમજ આંબા કરમશી બાવળીયા વિરુદ્ધ વિછીયા પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામાં આવી છે.
જોકે મારામારીનો બનાવ સવારના 10:00 વાગ્યાનો બનેલો હતો અને વિછીયા પોલીસ આરોપી વિરુદ્ધ ફરિયાદ લેવા માંગતી ન હતી તેવો પ્રાગજીભાઈ સરપંચનો આક્ષેપ હતો અને ત્યારબાદ સરપંચ સહિતના કાફલો વિંછીયા પોલીસ સ્ટેશનમાં રૂબરૂ અરજી દાખલ કરી મારામારીના બનાવને 24 કલાક વીતી ગયા છતાં પોલીસ દ્વારા એક પણ આરોપીની અટકાયત કરવામાં નથી આવી એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં પોલીસ તપાસ કેવી રીતે ચલાવશે તે પણ એક મોટો પ્રશ્ન છે.


