આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો: નોંધી આરોપીઓની શોધખોળ શરૂ
રાજકોટ નજીકના માલીયાસણ ગામમાં જમીનના વિવાદમાં મહિલા સહિત ચાર જણા પર સાતેક શખ્સોએ ધોકા અને બંદુકના કુંદા વડે હુમલો કર્યાની કુવાડવા રોડ પોલીસ મથકમાં આર્મ્સ એકટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
માલીયાસણમાં રહેતાં જગદીશ રણછોડભાઈ ખુંટ (ઉ.વ.પ૬)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે માલીયાસણમાં તેની બે વાડી છે. જેમાંથી એક વાડીમાં ગઈકાલે પુત્ર પ્રફુલ સાથે હતા. જયારે બીજી વાડીમાં જૂનુ મકાન પાડવાનું કામ ચાલું હતું. સાંજના મજુર મહેશે તેના પુત્રને કોલ કરી વાડીની બાજુમાં વાડી ધરાવતાં શખ્સો મકાન પાડવાની ના પાડતા હોવાનું કહ્યું હતું. જેથી તે પુત્ર સાથે બાઈક પર તે વાડીએ ગયા હતા. ત્યારે બાજુની વાડીવાળા હરીભાઈ રાઘવભાઈ ગમારા (રહે. આર્યનગર)એ કહ્યું કે આ મકાન નહીં પાડો, કારણ કે આ મકાન અમારી વાડીમાં આવે છે, અમારા કબ્જા-ભોગવટાની વાડીમાં તમારે પ્રવેશ કરવો નહીં, તમે અત્યારે મકાન પાડવાનું રહેવા દો. જેથી તેણે મજુરને અત્યારે મકાન નહીં પાડવાનું કહ્યું હતું. બાદમાં પુત્ર સાથે ફરીથી બીજી વાડીએ જતા રહ્યા હતા.
થોડી વાર બાદ ફરીથી મજુર મહેશે કોલ કરી જણાવ્યું કે આ લોકોએ બીજા લોકોને કોલ કરી બોલાવ્યા છે. હાલમાં અમને મારકૂટ કરે છે. જેથી તે ફરીથી પુત્ર સાથે પોતાની તે વાડીએ પહોંચતા ત્યાં દિનેશ રાઘવભાઈ ગમારા તેના બે પુત્રો, હરીભાઈ ગમારા, તેનો પુત્ર અને અજાણ્યો શખ્સ હાજર હતા. તમામ કાળા કલરની સ્કોરપિયોમાં આવ્યા હતા. તે ત્યાં પહોંચતા ગાળો ભાંડવાનું શરૃ કર્યું હતું. એટલું જ નહીં તેને પકડી રાખી ધોકા વડે હુમલો કર્યો હતો. આ ઉપરાંત નેફામાંથી બે આરોપીઓએ બંદુકો કાઢી તેના કુંદા છાતીમાં માર્યા હતા. સાથો-સાથ કહ્યું કે આજે તો તને જાનથી મારી નાખવો છે. તેનો પુત્ર પ્રફુલ વચ્ચે પડતા તેને તમાચા ઝીંકયા હતા. એટલું જ નહીં મજુર મહેશ, તુલશીભાઈ અને કૈલાબેન પર પણ ધોકા વડે હુમલો કર્યો હતો. દેકારો થતાં તમામ આરોપીઓ ભાગી ગયા હતા. ત્યારબાદ તેણે અને તેના ત્રણ મજુરોએ ૧૦૮માં સિવીલમાં જઈ સારવાર લીધી હતી. સાંજે કુવાડવા રોડ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે આરોપીઓ હજુ હાથમાં આવ્યા નથી. આરોપીઓની શોધખોળ ચાલુ છે.